વધઈ-સાપુતારા આંતરરાજ્ય ધોરીમાર્ગ ઉપર આવેલા સાકરપાતળ મૂળ ગામના 155 જેટલા ધરોના અંદાજીત 700 લોકો માટે આશીર્વાદરૂપ પૂરવાર થયેલી અને સને 2011થી સફળ રીતે ચાલી રહેલી પાણી સમિતીના સંચાલકો એવા પ્રમુખ મંગલેશભાઇ ભોયે અને કિશોરભાઇ ગાવિત જેવા યુવાનો દ્વારા પૂર્ણ નિષ્ઠા તથા સેવાભાવના સાથે પાણી સમિતિનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. પાણી સમિતિના સફળ વહિવટને કારણે અનેક ઇનામ પોતાને નામે કરવા સાથે સાકરપાતળની આ પાણી સમિતિએ 75 હજાર જેટલુ રોકડ પુરસ્કાર પણ પ્રાપ્ત કર્યું છે.
પાણી સમિતિની કાર્યદક્ષતા અને સરળ વહિવટને જોવા અને જાણવા, તથા તેમનામાંથી પ્રેરણા મેળવવા માટે, રાજ્યભરના અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો સાકરપાતળની મુલાકાતે આવી રહ્યાં છે, તેમ જણાવતા પાણી સમિતિના સંચાલકોએ, માસિક રૂા.40/-ના લોકફાળા સાથે ચાલી રહેલી આ સમિતિ પાસે હાલમાં પોણા 3 લાખ રૂપિયાનું ભંડોળ પણ એકત્ર થવા સાથે એફ.ડી.માં પણ માતબર રોકાણ કરાયુ હોવાનું જણાવ્યું હતું. સમિતિનો બધો જ નાણાંકિય વ્યવહાર ચેક મારફતે જ કરીને, પારદર્શક વહિવટનો પણ ઉત્તમ નમૂનો આ પાણી સમિતિ પુરો પાડી રહી છે.
ડાંગની લોકમાતા અંબિકા નદીના પટમાં 6 મીટર વ્યાસ અને 15 મીટર ઊંડાઇ ધરાવતા કૂવામાંથી એકાદ કિલોમીટર લાંબી પાઇપ લાઇન નાંખી, ડુંગર ઉપર તૈયાર કરાયેલી જુદી જુદી 3 ટાંકીઓ, કે જેમની કુલ ક્ષમતા 55 હજાર લીટરની છે, તેમાં પાણી નાંખી ત્યાંથી ઘરેઘર સુધી અવિરત પાણી પુરવઠો પહોંચાડતી આ યોજનાના સંચાલનને વધુ સરળ બનાવતા, કૂવા સાથે જોડેલી મોટરને ચાલુ/બંધ કરવા માટે અવારનવાર કોતરો ના ખૂંદવા પડે તે માટે અહીં અઘતન મોબાઇલ ટેકનોલોજીના ઉપયોગ થકી, દૂર બેઠા બેઠા કે ગામ/પરગામથી પણ, પાણી સમિતિના ઓપરેટર દ્વારા મોટર ચાલુ/બંધ કરીને 55 હજાર લીટર પાણીનું સ્ટોરેજ કરી દેવામાં આવે છે, તેમ જણાવતા વાસ્મોના મદદનીશ ઇજનેર પ્રકાશ સોલંકીએ, અઘતન ટેકનોલોજીના સુભગ સમન્વ સાથે, અહીં ગ્રામજનોને અવિરત પાણી પુરૂ પાડવામાં સ્થાનિક પાણી સમિતિ સફળ રહી છે તેમ જણાવ્યું હતું.
સોશ્યલ મોબીલાઇઝર રાકેશ ગાવિતે વાતનો જણાવ્યું હતું કે, જો સંજોગોવસાત અંબિકાના કોતરમાં તૈયાર કરાયેલા કૂવામાં પાણીનો આવરો ઓછો થાય, તો એકાદ કિલોમીટર દૂર નજીકના જંગલમાં જ, વાધમાળ ગામની સીમમાં નવા બનાવાયેલા કૂવામાંથી પાઇપ લાઇન દ્વારા, સાકરપાતળના કૂવામાં પાણી નાંખી, તેનો સદ્ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ સાકરપાતળની આ પાણી સમિતિ ગ્રામજનોને કોઇપણ હાલે પાણી પહોંચાડીને, તેની સેવાભાવના દાખવી રહી છે.
પાણી સમિતિના ઓપરેટર ગુલાબભાઇ દીવા, સ્માર્ટ ફોનનો બખૂબી ઉપયોગ કરીને, મોટર સાથે મોબાઇલ ટેકનોલોજીને જોડીને, દૂર બેઠા બેઠા પણ મોટર ચાલુ/બંધ કરવાની તકનિક અજમાવી, અંબિકાના કોતરોમાં ઉતર્યા વિના જ 55 હજાર લીટર પાણીની ટાંકી ભરીને, ગ્રામજનોને પાણીની મુશ્કેલી ના વેઠવી પડે તેની કાળજી રાખી રહ્યાં છે. પાણીની મોટર સાથે જોડાયેલા સીમકાર્ડના નંબર ઉપર માત્ર મીસકોલ મારવાથી, મોટર ચાલુ અને બંધ કરી શકાય છે. જેથી તેઓ ગામમાં હોય, કે બહારગામ પણ પાણીની મોટર ચાલુ કરવા રૂબરૂ જવાની ઝંઝટમાંથી તેઓ મુક્ત રહે છે.
સાકરપાતળની આ પાણી પુરવઠા યોજનાનો કૂવો અંબિકાના કોતરમાં, તથા પાણી સ્ટોરેજ માટેની ટાંકી ડુંગર ઉપર આવેલી છે. આ બંન્ને વચ્ચે તાદાત્મ્ય સાધતા અનેક ઓપરેટરો કંટાળો અનુભવતા હતા. ત્યારે વાસ્મોના ઇજેનેરોએ મોબાઇલ ટેકનોલોજીના માધ્યમથી આ સમસ્યાનો હલ શોધી, પાણી સમિતિના સંચાલકોને ગળે વાત ઉતારતા, આજે એક સમયે ખૂબ જ કપરૂ લાગતુ કામ, આંગળીના ટેરવે/મીસકોલ મારવા જેટલુ સહેલુ થઇ ગયું છે.
ગામના સુરેખાબેન ચૌહાણ, તથા મેરીબેન દેશમુખે સાકરપાતળમાં પાણીની નિયમિતતાને કારણે તેઓ તેમના અન્ય કામો જેવા કે પશુપાલન, નાગલી પાપડ સહિતની વિવિધ બનાવટો, અને નાહરી રેસ્ટોરન્ટ જેવા અન્ય વ્યવસાયો માટે પણ સમય કાઢી શકે છે તેમ જણાવી, ભલે ચારેકોર પાણીની સમસ્યા હોય, પરંતુ સાકરપાતળમાં પાણીની કોઇ મુશ્કેલી નથી.