ડાંગ: ડાંગ જિલ્લામાં વાવણી માટેના બીજની ચકાસણી કરવા માટેનો તહેવાર સાથે જ અખાત્રીજની ઘરમાં જ રહીને ઉજવણી કરવામાં આવી હતી. ચોમાસા પહેલા ઉજવાતા આ તહેવારને ડાંગીઓ ખુબ જ મહત્વ આપે છે. કારણકે ચોમાસામાં પાક કેવો આવશે તે અખાત્રીજના સમયે નક્કી થઇ જાય છે.
અખાત્રીજના સાત દિવસ પહેલા આદિવાસી લોકો એક ટોપલીમાં માટી ભરી તેમાં પાંચ પ્રકારનું ધાન્ય જેમકે ભાત, ઘઉં, જુવાર, નાગલી અને મકાઈના બીજની વાવણી કરીને તેને ઘરમાં રાખે છે. રોજ કૂવાના પાણીથી તેનું સિંચન કરે છે,પાણી સિંચન કરવાનો અધિકાર માત્ર કુમારિકાઓને જ હોય છે. અખાત્રીજના દિવસે ટોપલીમાંથી તૈયાર થયેલા ધરુ જેને ગૌરાઇ કહેવામાં આવે છે, આ ગૌરાઇને તેઓ આઠમાં દિવસે નદી કે કુવા પાસે વિસર્જન કરે છે.
અખાત્રીજના દિવસે દરેક ગામમાં કામકાજ બંધ હોય છે, આ દિવસે ખોરાક તરીકે માછલીનો પ્રસાદ અનિવાર્ય ગણવામાં આવે છે. આ માછલીઓને ભૂતિયા દેવને ભોગ આપવામાં આવે છે એવી માન્યતા છે. જો ભૂતિયાદેવ રિઝાઈ જાય તો તે વંટોળ મારફત પવન ફૂંકી મેં વાદળોને અન્ય જગ્યાએ લઈ જશે અને વરસાદ આવશે નહિ તેવું માનવામાં આવે છે.
ડાંગી આદિવાસીઓ માટે અખાત્રીજ ખેતીનો અખતરાનો તહેવાર છે, કારણ કે આ તહેવારમાં લોકો ઘરના ધાન્યના બીજની ચકાસણી કરે છે. ચોમાસુ આવવાની તૈયારી હોય ત્યારે ખેતીનો પાક કેવો આવશે એનો અંદાજો ડાંગી આદિવાસી અખાત્રીજ પરથી મેળવી લે છે.