ડાંગ: એવું કહેવાય છે કે સૌંદર્યને પામવા સુંદર થવું પડે તેવી જ રીતે પ્રકૃતિને માણવા પ્રકૃતિમય બનવું પડે. જીવનને યથાર્થ જીવવા માટે કેટલીક ચિરસ્થાયી સ્મૃતિઓનું હોવું ખુબ જરૂરી છે. હું તમને એવું કહું કે ડાંગની મુલાકાત તમે હજારો ચિરસ્થાયી સ્મૃતિઓ આપશે તો તમે ડાંગની મુલાકાત લેશો? ઊંચા ઊંચા ડુંગરો ઉપરથી નીચે ખીણમાં ખાબકતા શ્વેત દુગ્ધધારા જેવા અનેક નામી અનામી જળધોધ ઉપરાંત, ખીણ પ્રદેશમાં જાણે કે આકાશમાંથી પોતાના પ્રિયતમથી વિખૂટી પડી, એકલી અટુલી અટવાતી શ્વેત શ્યામ વાદલડી અને તેની ધૂમ્રશેર ડાંગના સૌંદર્યને ચાર ચાંદ લગાવી દે છે.
પ્રવાસનનો વિકાસ: પ્રકૃતિના ચાહક એવા પર્યટકોની અહીંની મુલાકાત તેમના માટે એક યાદગાર સંભારણુ બની રહે તે માટે, રાજ્ય સરકારના પ્રવાસન મંત્રાલયે અહીં પાયાકિય સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને, પ્રકૃતિપ્રેમી પર્યટકોને પ્રકૃતિનો અણમોલ નજારો માણવાની સુગમતા કરી આપી છે. એક સમયે અંધારિયા દેશ તરીકે ઓળખાતા ડાંગ પ્રદેશે આજે પ્રવાસન ક્ષેત્રે સારી એવી નામના મેળવી છે.
નો પ્લાસ્ટિક ઝોન: વન વિસ્તારમા પ્રવાસે આવતા પ્રવાસીઓને વન જતન અને સંવર્ધનના કાર્ય માટે પ્રોત્સાહિત કરવા સાથે, સમગ્ર ડાંગ જિલ્લાને વન વિભાગે 'નો પ્લાસ્ટિક ઝોન' જાહેર કર્યો છે. અહીંના પર્યાવરણને કોઈ નુકશાન ન પહોંચે તેની તકેદારી દાખવવા પણ વન વિભાગે અપીલ કરી છે. જોકે, પ્રકૃતિની સાચી મજા માણવી હોય તો ચોમાસા દરમિયાન ડાંગ જિલ્લાની મુલાકાત લેવી જોઈએ.
શિવ ઘાટ ધોધ: આ ધોધ મુખ્ય રોડ પર હોવાથી અહીંથી પ્રવાસીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર બને છે. અહીંથી પસાર થતા પ્રવાસીએ બે ઘડી માટે અહીં ગાડી થોભાવવાનું ચૂકતા નથી. અમુક પ્રવાસીઓ શિવ મંદિરની મુલાકાત લઈને ધોધમાં સ્નાન કરવાનો પણ લહાવો લેતા હોય છે. આ ધોધ સામાન્ય રીતે જૂન મહિનાથી જાન્યુઆરી મહિના સુધી જીવંત રહેતો હોય છે.
ગીરા ધોધ: વઘઇના આ 'ગીરાધોધ' ઉપરાંત ગુજરાતનો સૌથી ઊંચો સુબિર તાલુકાના ગિરમાળ ગામનો 'ગિરમાળ ધોધ' પણ પ્રવાસીઓનો માનીતો અને ચહિતો ધોધ છે. ત્રણસો ફૂટની ઊંચાઈએથી નીચે ખાબકતો જળપ્રપાત પર્યટકોને રૌદ્ર અને રમ્ય અહેસાસ કરાવે છે. અહીં પણ જિલ્લા પ્રવાસન સમિતિ, અને ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી પાયાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.
યોગેશ્વર ઘાટ: આ ધોધ તરફ જતા માર્ગમાં આવતો પૂર્ણાં નદીનો 'સી વ્યૂ' પર્યટકોને પૂર્ણાં સેન્ચુરીનો એરિયલ વ્યુ પ્રદાન કરે છે.તો આહવાના સીમાડે આવેલા 'શિવ ઘાટ' અને 'યોગેશ્વર ઘાટ' ના બે ટુરિસ્ટ ફ્રેન્ડલી વોટરફોલ શિવજી સહિત પર્યટકો ઉપર પણ જળાભિષેક કરે છે.
મહાલ વોટરફોલ: મહાલ-બરડીપાડા રોડ ઉપરનો 'મહાલ વોટર ફોલ', ચનખલની સીમમાં આવેલો 'બારદા ધોધ', ડોન ગામનો 'દ્રોણ ધોધ', પાંડવા ગામનો 'અંજની ધોધ', માયાદેવીનો 'સ્ટેપ ધોધ' ચોમાસાની ભીની ભીની મોસમમાં પ્રકૃતિપ્રેમીઓને આકર્ષી રહ્યા છે.
પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું: ગીરીમથક સાપુતારા સહિત ડાંગનું પ્રાકૃતિક સૌંદર્ય ચોમાસામાં ડાંગનું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠતા મજા માણવા પ્રવાસીઓ ભારે ભીડ સાથે ઉમટી પડી. ગિરિમથક સાપુતારા ખાતે અલાદક ધુમસ્ય માહોલ અને વરસાદની હેલી વચ્ચે નૌકાવિહાર, ઘોડ સવારી શહીત વિવિધ એડવેન્ચર એક્ટિવિટીની પ્રવાસીઓને ખૂબ મજા માણે છે. આવું વાતાવરણ પર્યટકોને પ્રકૃતિને અણમોલ નજારો માણવાની સુગમતા કરી આપી છે.