ડાંગ: પ્રાપ્ત વિગતો અનુસાર વૈશ્વિક સ્તરે હાહાકાર મચાવનાર કોરોના વાયરસનો ચેપ ધીરે ધીરે સમગ્ર દેશમાં વધી રહયો છે. તેવામાં આ કોરોના વાયરસનાં સંક્રમણની સાંકળને તોડવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને બે તબક્કામાં લોકડાઉન જાહેર કર્યો છે. જ્યાં પણ વસવાટ કરતા હોય અથવા જ્યાં પણ કામધંધો મજૂરી કરતા હોય ત્યાં જ સુરક્ષિત રહેવાની અપીલ કરાઈ છે. તેમ છતાંયે અમુક લોકો અન્ય જિલ્લાઓ અથવા અન્ય રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરી રહ્યાની વિગતો પ્રકાશમાં આવી છે. ગુજરાતનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાની વાત કરીએ તો ડાંગ જિલ્લો બહુલક રીતે મહારાષ્ટ્ર રાજ્યની સરહદને સાંકળતો વિસ્તાર છે.જેનાં પગલે ડાંગ જિલ્લાનાં સરહદીય ગામડાઓમાંથી મોટાભાગનાં લોકો મજૂરી અર્થે મહારાષ્ટ્રનાં જિલ્લાઓમાં દ્રાક્ષની વાડીઓમાં જાય છે.
હાલની પરિસ્થિતિ જોતા કોરોના વાયરસનાં સૌથી વધુ પોઝીટીવ કેસો મહારાષ્ટ્ર રાજ્યમાંથી મળી આવ્યા છે. જેથી મહારાષ્ટ્ર રાજ્યમાંથી કોરોના પોઝીટીવ દર્દી સંક્રમિત થઈ સરહદીય ડાંગ જિલ્લામાં ન આવી જાય તે માટે જિલ્લા વહીવટી તંત્રએ તમામ સરહદીય માર્ગો અને ચેકપોસ્ટ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ મહારાષ્ટ્રમાંથી આવન જાવન કરતા લોકો ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે. તેવામાં ગુરુવારે મહારાષ્ટ્રનાં નાસિક જિલ્લામાં મજૂરીનાં કામ અર્થે ગયેલ 90થી વધુ ડાંગનાં મજૂરોને વઘઇ તાલુકામાં સમાવિષ્ટ માંળુગા બોર્ડર વિસ્તારમાં કોઈક ખાનગી વાહનચાલક ઉતારી ગયો હતો. આ તમામ મજૂરો મહારાષ્ટ્રથી ડાંગને જોડતી પગવાટે પગપાળા થઈ વતન ડાંગનાં સરહદીય ગામડાઓ તરફ આવી રહ્યાનું સાપુતારા પોલીસ કર્મીઓને ધ્યાને આવ્યુ હતુ.
જેની જાણ સાપુતારા પોલીસ મથકનાં PSI એમ.એલ.ડામોર સહિત ડાંગ LCB પી.એસ.આઈ.પી.એચ.મકવાણાને થતા તેઓ તુરંત જ પોલીસનાં કાફલા સાથે માંળુગા ચેકપોસ્ટ બોર્ડર ઉપર દોડી ગયા હતા. જ્યાં મહારાષ્ટ્ર રાજ્યનાં નાસિક તરફથી આવેલ ડાંગનાં 90થી વધુ મજૂરોને તેઓએ અટકાવી એન્ટ્રી કરવા દીધા ન હતા. ડાંગ પોલીસની ટીમે સાવચેતી રાખીને આ તમામ મજૂરોને જ્યાંથી આવ્યા હોય ત્યાં પરત જવા માટેનાં સલાહ સૂચનો કર્યા હતા. જેના પગલે ડાંગનાં વતનની વાટ પકડી પરત આવેલા મજૂરો પાછા નાસિક તરફ રવાના થયા હતા.
આ બાબતે ડાંગ જિલ્લાનાં LCB પી.એસ.આઈ પી.એચ મકવાણા જોડે વાતચીત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, મહારાષ્ટ્ર રાજ્યનાં નાસિક જિલ્લામાં મજૂરી અર્થે ગયેલ ડાંગ જિલ્લાનાં 90થી વધુ મજૂરો જિલ્લાનાં માંળુગા બોર્ડર ઉપર આવ્યાનો મેસેજ મને મળતા હું તાત્કાલીક સરહદીય વિસ્તારમાં દોડી ગયો હતો. હાલમાં મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાનાં સૌથી વધુ પોઝીટીવ કેસો બહાર આવ્યા છે. જેથી કદાચ મહારાષ્ટ્ર રાજ્યમાંથી એકાદ પણ સંક્રમિત દર્દી ડાંગ જિલ્લામાં પ્રવેશ કરે તો જિલ્લામાં ભયનો માહોલ સર્જાઈ શકે છે. તેમજ આજ દીન સુધી ડાંગ જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી.જેથી ડાંગી જનજીવનનાં સ્વાસ્થની સુરક્ષાને ધ્યાનમાં લઈ પોલીસ વિભાગે આ મહારાષ્ટ્ર રાજ્યમાંથી માંળુગા બોર્ડર ઉપર આવેલ 90થી વધારે મજૂરોને ડાંગ જિલ્લામાં એન્ટ્રી આપેલ નથી. આ તમામ મજૂરોને પોલીસની ટીમ દ્વારા જ્યાંથી આવ્યા છો તે જગ્યાએ પરત જવા માટેનાં સલાહ સૂચનો આપી મોકલી દેવાયા હતા.