ડાંગઃ જિલ્લામાં શનિવારથી હેલ્મેટ અને માસ્ક વગર ફરતા બાઈક ચાલકોને આહવા, સુબિર, વઘઇ તેમજ શામગહાન ખાતે ડાંગ પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં થોડાં દિવસ અગાઉ ઘણા અકસ્માતના બનાવ નોંધાયા છે.
ડાંગ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાનાં નેતૃત્વમાં વઘઇ, આહવા, સુબિર તેમજ સાપુતારા સહિત તમામ પોલીસ એલર્ટ બની હેલ્મેટ તથા માસ્ક વગર ફરતા બાઈક ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. હેલ્મેટ વગર ફરનારા બાઈક ચાલકોને રૂપિયા 500નો દંડ તથા માસ્ક વગર ફરનારા લોકોને રૂપિયા 1000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ કાર ચાલકોએ સીટ બેલ્ટના લગાવ્યો હોય તથા કારમાં બ્લેક ફિલ્મ લગાવી હોય તેમજ ઓવર સ્પીડમાં ફરતા બાઇક ચાલકોને પણ દંડ ફટકારવામાં આવી રહ્યો છે.
ડાંગ જિલ્લામાં કોરોનાં વાઇરસનું સંક્રમણ અન્ય જિલ્લાઓ કરતાં ઓછા પ્રમાણમાં છે. તેમ છતાં છેલ્લા મહિનાથી કોરોનાં વાઇરસના કેસોમાં વધારો થયો છે. જેને ધ્યાને રાખતા પોલીસ દ્વારા ફરજિયાત માસ્ક પહેરવા અનુરોધ કરવામાં આવે છે. માસ્ક નહીં પહેરનારા લોકો સામે પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોક જાગૃતિનાં પ્રયાસનાં ભાગરૂપે ડાંગ પોલીસ હરકતમાં આવી છે. રવિવારે ડાંગ સહિત સાપુતારાનાં પ્રવાસે સુરતી પ્રવાસીઓ પોતપોતાની બાઇકો પર હેલ્મેટ વગર નીકળી પડ્યા હતા. આ નિયમ ભંગ કરનારા પ્રવાસીઓ સામે પણ ડાંગ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.