ડાંગઃ કોરોના વાઇરસનાં સંક્રમણને અટકાવવા માટે દેશમાં લોકડાઉન-2 ચાલી રહ્યું છે. વડાપ્રધાને લોકોને જ્યાં છે ત્યાં જ રહેવાની અપીલ કરી છે. તેમ છતાં કેટલાક લોકો વડાપ્રધાનના આદેશનું ઉલ્લંઘન કરી પોતાને ત્યાં મજૂરી અર્થે અટવાઈ રહેનારા લોકોને પરત મોકલી રહ્યાં છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ડાંગના મજૂરોને તેમના માલિકો પરત મોકલી રહ્યાં છે. જેના કારણે દ્રાસની વાડીઓમાં મજૂરી કામ અર્થે ગયેલા જિલ્લાના મજૂરોને રસ્તે રઝળવાનો વારો આવ્યો છે.
16 એપ્રિલના સાંજના 4 વાગ્યાની આસપાસ જામનવિહીર ગામના મજૂરોને નાસિક જિલ્લામાંથી પિક-અપ વાન દ્વારા જિલ્લાના બરમ્યાવડ ફોરેસ્ટ નાકા ઉપર છોડી જવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ પોલસ તંત્રને થતા ડી.વાય.એસ.પી આર.ડી.કવા, સાપુતારા પોલીસ મથકના પિ.એસ.આઇ એમ.એલ.ડામોર ધટના સ્થળે દોડી ગયા હતા. અને હાલ કોરોના વાઇરસનાં સંક્રમણનો વધારો અને નાસિક જિલ્લામાં 18 કોરોના પોઝીટીવ કેસ નોધાયા હોવાથી જામનવિહીર ગામના તમામ 26 મજૂરોને પરત મોકલવામાં આવ્યા હતા. મજૂરો દ્વારા પોતાના માલિકને ફોન કરી જાણ કરતાં તેમણે કોઇપણ જવાબદારી લેવાની ના પાડી હતી. જેના કારણે આ તમામ મજૂરો બરમ્યાવડ નાકાની પેલે પાર મહારાષ્ટ્ર બોર્ડર પર અટવાઈ ગયા હતા. જામનવિહીર ગામના આ લોકો અટવાઈ ગયા છે ત્યારે ગામના સરપંચ કે કોઇ આગેવાને આ લોકોની ખબર-અંતર પણ ના પૂછતા લોકો ભારે મુશ્કેલીઓમાં મુકાઇ જવા પામ્યા હતા. જિલ્લામાં સરકાર દ્વારા બહારથી આવેલ લોકો અથવા જિલ્લાના લોકો જે અન્ય જિલ્લાઓમાંથી આવ્યા હોય તેઓ માટે શેલ્ટર હોમ બનાવામાં આવ્યા છે. નિ:સહાય લોકો માટે સાપુતારામાં 160 બેડ, વધઇમાં 40 બેડ અને આહવામાં 60 બેડના શેલ્ટર હોમ બનાવામાં આવ્યા છે. ત્યારે આ રઝળી ગયેલ લોકોની જવાબદારી કોણ લેશે તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે.