ડાંગ: ડાંગ જિલ્લાના વહીવટી મથક આહવા ખાતે આવેલ તાલુકા આરોગ્ય કચેરીમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતી કાજલબેન અશોકભાઈ ડામોરને મંગળવારે મોબાઈલ પર બપોરે એક ફોન આવ્યો હતો.
જે ફોન રિસીવ કરતા જ એક યુવકે જણાવ્યું હતું કે, હું બેંક.ઓફ.બરોડામાંથી બોલું છું. તમારું ખાતું અને એ.ટી.એમ બંધ થવાનું છે. તમારું ખાતું બંધ થશે તો 1700 રૂપિયા કપાઈ જશે તેમ જણાવી કાજલબેનને વિશ્વાસમાં લીધા હતા. તેમજ તેમની પાસેથી એ.ટી.એમ નંબર અને મોબાઇલ પર આવેલો ઓટીપી મેળવી ફોન કાપી નાખ્યો હતો.અને થોડા સમય બાદ કાજલબેનના એકાઉન્ટમાંથી 74600 રૂપિયા ટ્રાન્ફર થયા હતા.
ખાતામાંથી રૂપિયા ડેબિટ થઈ જતાં આ કાજલબેને તેમના પતિને જાણ કરી હતી.આ દંપતિ બેંક ઓફ બરોડા ખાતે પહોંચી મેનેજર સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે બેંક ઓફ બરોડામાંથી કોલ કરવામાં આવ્યો નથી. ત્યાર બાદ સમ્રગ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ અંગે આહવા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.