ડાંગ: સાપુતારાની નોટીફાઈડ એરિયા કચેરી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ-વલસાડની સંયુક્ત ટીમ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત સાપુતારાની હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાદ્ય પદાર્થોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં અખાદ્ય શાકભાજી, છાશ અને ગ્રેવીનો નાશ કરવામાં આવ્યો હતો.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ઝુંબેશ : ડાંગ જિલ્લા કલેકટર મહેશ પટેલ તથા ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલની સૂચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લામાં આરોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરુરી પગલા લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ગિરિમથક સાપુતારાની હોટલ તથા રેસ્ટોરન્ટમાં પીરસાતા ખાદ્ય પદાર્થોની આકસ્મિક ચકાસણી હાથ ધરવામાં આવી હતી. સાપુતારાના ચીફ ઓફિસર એમ. જે. ભરવાડ તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ વલસાડના ફૂડ સેફટી ઓફિસર કે. જે. પટેલ તથા સી. એન. પરમાર સાથે બંને વિભાગની સંયુક્ત ટીમ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ખાદ્યપદાર્થોની તપાસ : સાપુતારાની 19 જેટલી હોટલ, રેસ્ટોરન્ટ અને 2 હોસ્ટેલની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. જે પૈકી ચાર હોટલમાંથી ચટણી, વાસી ખરાબ બોઈલ શાકભાજી, ખરાબ કાંદા બટાકા, લસણ, બ્રેડ, પનીર, ફૂડ કલર આઈટમ, છાશ અને દૂધની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કુલ 12,145 રૂપિયાની કિંમતના કુલ 145 કિલોગ્રામ જથ્થાનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો.
અખાદ્ય જથ્થાનો નાશ કર્યો : ફૂડ વિભાગની ટીમે જરૂર મુજબના સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરી દુકાનોમાં સ્વચ્છતાની જાળવણી રાખવા સૂચના આપી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ ઇન્સ્પેક્ટર ચેતન પરમાર અને કે. જે. પટેલ દ્વારા ટીમ સાથે લોકોના આરોગ્ય માટે હાનીકારક અખાદ્ય શાકભાજી, છાશ, સબ્જીની તૈયાર ગ્રેવી વગેરેનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાપુતારાના ચીફ ઓફિસર એમ. જે. ભરવાડ દ્વારા પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકો સામે આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું.