ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ શરૂ
ડાંગના વઘઇ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો
છેલ્લા 24 કલાક દરમિયાન 3 ઇંચ વરસાદ ખાબકયો
ડાંગ: પ્રાપ્ત વિગતો અનુસાર રાજયનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં જૂન મહિનાના આખરના સપ્તાહમાં વરસાદી માહોલ જામ્યો છે. ડાંગ જિલ્લાના ગામડાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી સાર્વત્રિક રીતે છૂટો છવાયો વરસાદ પડતા સમગ્ર વાતાવરણ ચોમાસામય બન્યુ છે.
ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ચાલુ
ડાંગ જિલ્લામાં ગુરુવારે આહવા પંથકમાં મધ્યમ વરસાદ નોંધાયો હતો. જ્યારે વઘઇ તાલુકાના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડતા સર્વત્ર પાણી પાણીની રેલમ છેલ ફરી વળી હતી. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહીત સુબિર પંથકના ગામડાઓમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો.
ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું
ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામતા પ્રકૃતિ હિલોળે ચડી છે. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલના પગલે જંગલ વિસ્તારના દ્રશ્યો રમણીય બની જવા પામ્યા છે.
ડાંગના વઘાઈમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ
ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે સાંજે 6 વાગ્યાથી ગુરુવારે સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન સુબિર પંથકમાં 12 મિમી, સાપુતારા પંથકમાં 10 મિમી, આહવા પંથકમાં 36 મિમી અર્થાત 1.44 ઈંચ, જ્યારે સૌથી વધુ વઘઇ પંથકમાં 79 મિમી અર્થાત 3.16 ઈંચ અર્થાત સવા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો.