ડાંગ: જિલ્લામાં કોરોના સંક્રમણના કપરા કાળમાં કોવિડ 19 અંતર્ગત મેડીકલ ઓફિસર કે જેઓ પોતાની કે પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વિના ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ તરીકે તેમની ફરજ બજાવી રહ્યા છે. તેમનું સન્માન કરતા પ્રધાન ગણપતસિંહ વસાવાએ આદિવાસી સમાજની સેવા બદલ આ કોરોના યોદ્ધાઓની સેવાઓને બિરદાવી શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવા માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કોરોના કાળ કોવિડ 19ની સેવાઓ બદલ આહવાના મુખ્ય સ્ટેજ પરથી મંત્રી સહિતના મહાનુભાવોએ જનરલ હોસ્પિટલ આહવાના મેડીકલ ઓફિસર રિદ્ધિ પટેલ સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝાવડાના મેડીકલ ઓફિસર ગર્વિના ગામીત અને પિંપરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુસ મેડીકલ ઓફિસર ડો. કોમલ ખેંગારનું શાલ ઓઢાડી, સન્માન પત્ર એનાયત કરી જાહેર અભિવાદન કર્યું હતું. આ ઉપરાંત વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કાર્યક્રમ દરમિયાન આરોગ્ય શાખાના ઈ.એમ.ઓ. ડો. ડી.સી.ગામીત, જનરલ હોસ્પિટલ આહવાના મેડીકલ ઓફિસર ડો.ગૌરાંગ પટેલ, અને સ્ટાફ નર્સ મનીષા ભોયે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીમ્પરીના મેડીકલ ઓફિસર ડો.અનુરાધા ગામીત, અને એફ.એચ.ડબ્લ્યુ. ઉર્મિલા જાદવ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપલદહાડના એમ.પી.એચ.ડબ્લ્યુ. જીગ્નેશ ચૌધરી, તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-સાકરપાતળ (મલીન)ના આશા નિર્મલા ઝીરવાડનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે,આજના આ કાર્યક્રમ દરમિયાન આરોગ્ય ઉપરાંત શિક્ષણ, નિટ અને જેઈઈ, રમત ગમત, પશુપાલન, ખેતી જેવા ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન કરનારાઓનું પણ સન્માન, અભિવાદન કરવામાં આવ્યું હતુ.