ડાંગઃ જિલ્લાનાં સુબિર તાલુકામાં સમાવિષ્ટ બરડીપાડા ગ્રામ પંચાયતમાં વર્ષોથી નેટવર્કનાં હોવાના કારણે અહીં ડિજિટલ ઇન્ડિયાની વાતો પોકળ સાબિત થઇ રહી છે. હાલ કોરોનાં મહામારીના કારણે સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે પરંતુ બરડીપાડા ગ્રામ પંચાયતમાં નેટવર્કના હોવાના કારણે વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકતાં નથી.
સામાન્ય રીતે જોવા જઇએ તો ઓનલાઈન સેવાઓ તો દૂરની વાત છે પણ અહીં લોકો ઇમરજન્સી સેવાઓનો પણ લાભ લઇ શકતા નથી. ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ અને પોલીસ વગેરેને સંપર્ક કરવો હોય તો આ ગામનાં લોકોને 5 કિમી દૂર ડુંગર કે અન્ય કોઈ જગ્યાએ જવું પડે છે. અહીંના વિદ્યાર્થીઓ ડુંગર ઉપર અથવા ઝાડ ઉપર બેસીને ઓનલાઈન શિક્ષણ પ્રાપ્ત કરે છે.
21મી સદીમાં જ્યાં દુનિયા ટેકનોલોજી ક્ષેત્રોમાં આગળ વધી રહી છે. ત્યારે બરડીપાડા ગ્રામ પંચાયતની વાતો નવાઈ પમાડે છે. ડિજિટલ ઇન્ડિયાની વાતો કરનાર સરકાર દ્વારા હજુ સુધી દરેક ગ્રામ્ય લેવલે નેટવર્ક પહોંચાડવામાં આવ્યું નથી. ડાંગ જિલ્લામાં આદિવાસી વસ્તી વસે છે. અહીંના બરડીપાડા ઉપરાંત કેટલાક અનેક ગામડાઓ છે, જ્યાં હજીસુધી નેટવર્ક પહોંચી શક્યું નથી. ડિજિટલ માધ્યમો થકી આંગળીના ટેરવે દુનિયાની તમામ માહિતીઓ મેળવી શકાય છે. જ્યારે અહીં નેટવર્ક સમસ્યાને કારણે લોકો ડિજિટલ સુવિધાઓથી વંચીત જોવા મળે છે.
જાગૃત આદિવાસી એકતા સંગઠનના પ્રમુખ ગીરીશભાઈ ગીરજલી જણાવે છે કે, બરડીપાડા ગ્રામ પંચાયતના લોકો વર્ષોથી નેટવર્કની રાહ જોઇને બેઠાં છે. નેટવર્ક સમસ્યાઓના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નેટવર્ક સમસ્યા હોય ઇમરજન્સી સેવાઓનો લાભ મળી શકતો નથી. જેમાં થોડાં દિવસો અગાઉ 108 ઇમરજન્સી સેવાનો ફોન ના થઇ શક્યો હોવાના કારણે એક મહિલાનું સર્પદંશના કારણે મોત નીપજ્યું હતું.
આ બધી ઘટનાઓના કારણે અહીંના લોકોમાં રોષની લાગણી ફેલાઇ ગઇ છે. સરકાર ઉપર આકરા પ્રહાર કરતાં સંગઠનના પ્રમુખે જણાવ્યું હતું કે, આ પંચાયતના દરેક લોકો હવે સહન કરી લેવાના મૂડમાં નથી. જો તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં ન આવે તો તેઓ આવનાર દિવસોમાં અનશન ઉપર બેસશે. આ સાથે જ ચૂંટણીનો પણ સંપૂર્ણપણે બહિષ્કાર કરશે. સરકાર ડિજિટલ ઇન્ડિયા, સ્માર્ટ સીટી, સ્માર્ટ વિલેજ વગેરેની વાતો કરે છે પણ આ ગામોને ક્યારે સ્માર્ટ બનાવવામાં આવશે તે મોટો પ્રશ્ન છે. બરડીપાડા ગ્રામ પંચાયતમાં નેટવર્ક સમસ્યા હલ કરવા બાબતે આદિવાસી એકતા સંગઠન દ્વારા 30 જુલાઈ 2020ના રોજ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
સાજુપાડા ગામના વતની મનોજભાઈ પટેલ જણાવે છે કે, કોરોના મહામારીના કારણે લોક ડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે શાળા કોલેજો દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તે માટેનો અહીં અભાવ જોવા મળે છે. ગામમાં નેટવર્ક ના હોવાના કારણે બાળકો ઓનલાઈન શિક્ષણ પ્રાપ્ત કરી શકતા નથી. બાળકોને 5 કિમિ દૂર ડુંગર વિસ્તારમાં ગામ જવું પડે છે. તેઓની માંગ છે કે, વહેલી તકે ગામમાં નેટવર્ક સમસ્યા હલ કરવામાં આવે.
બરડીપાડા ગ્રામ પંચાયતમાં વર્ષો જૂની નેટવર્ક સમસ્યા હોવાના કારણે તેઓ સ્થાનિક નેતાઓ અને તંત્રને વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે છતાં તેઓની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. જેથી દરેક લોકોમાં રોષની લાગણી જોવા મળે છે. સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે, તેઓના ગામમાં નેટવર્ક સમસ્યા હલ કરવામાં ન આવે તો તેઓ આવનાર ચૂંટણીઓનો બહિષ્કાર કરશે.