ડાંગઃ ગુજરાત રાજયના ડાંગ જિલ્લામાં 100 ટકા આદિવાસી લોકો વસવાટ કરે છે. જેમાંથી દરેક લોકો વરસાદ આધારિત ખેતી પર આધારિત છે. ગુજરાત રાજ્યના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં વર્ષે દરમિયાન 150 ઇંચથી વધુ વરસાદ વરસે છે. અહીં પહાડી વિસ્તાર હોવાને કારણે લોકો નાગલીની ખેતી વધુ પ્રમાણમાં કરતાં હોય છે.
નાગલીનો પાક અહીં મુખ્ય પાક તરીકે વખણાય છે. સાથે ડાંગરના પાકની પણ મોટા પાયે ખેતી કરવામાં આવે છે. વરસાદ આધારિત ડાંગના ખેડૂતો મોટાભાગે ચોમાસુ ખેતીમાંથી આવક પ્રાપ્ત કરે છે. જ્યારે નદી અને પિયતની સગવડ ધરાવનારા ખેડૂતો રવિ પાકોની પણ ખેતી કરતા હોય છે.
ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે જૂન મહિનાના પ્રારંભમાં જ સારો એવો વરસાદ વરસી જતાં ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી હતી. જે બાદ જુલાઈ મહિનામાં રોપણીના સમયે વરસાદે વિરામ લેતાં અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો. અમુક વિસ્તારમાં છુટા છવાયા વરસાદને કારણે ખેડૂતોની રોપણીમાં વિલંબ થયો છે. મોટાભાગે જુલાઈ મહિનામાં સારો વરસાદ થતાં રોપણીનું કામ પૂર્ણ થઈ જતું હોય છે, પણ આ વર્ષે વરસાદી વિલંબના કારણે હજૂ પણ ખેડૂતોની ડાંગર અને નગલીના પાકની રોપણી બાકી જોવા મળી રહી છે.
સુબિર ગામનાં ખેડૂત ઈશ્વરભાઈ ગાયકવાડ જણાવે છે કે, ડાંગ જિલ્લામાં મોટાભાગનાં ખેડૂતો વરસાદ આધારિત ખેતી પર નિર્ભર છે, પણ આ વર્ષે વરસાદે વિલંબ કરતાં ખેડૂતોને સિંચાઈ, કુવા અને પાણીની સગવડ ન હોવાને કારણે તેઓની ખેતી નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે.
ખેતીનો પાક સારો ન થાય તો સરકાર દ્વારા ખેડૂતોને રાહત પેકેજ જાહેર કરવામાં આવે. શામગહાન ગામના સ્થાનિક ખેડૂત સોન્યાભાઈ બાગુલ જણાવે છે કે, ડાંગ જીલ્લોએ ડુંગરાળ પ્રદેશ હોવાથી પાણીની તંગી પડી રહી છે. તેઓ ફક્ત વરસાદી ખેતી પર નિર્ભર છે. ત્યારે આ વર્ષે સારો વરસાદ ન વરસતાં સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવે તે જરૂરી બની ગયું છે.
ડાંગ જિલ્લો જે વરસાદના સમયે સોળે કળાએ ખીલી ઉઠે છે. ભારે વરસાદ થતાં અહીં ગીરા ધોધનો નજારો રમણીય છે. પણ આ વર્ષે જુલાઈ મહિનો વીતી ગયો હોવા છતાં પણ અંબિકા નદીનાં ગીરાધોધમાં પાણીની આવક જોવા મળતી નથી.
ડાંગમાં જુલાઈ મહિનામાં છૂટો છવાયો વરસાદ વરસી જતાં ડાંગની 4 નદીઓમાં પાણીની આવક હોવી જોઇએ એના કરતા ઓછી છે. આ સાથે જ જુલાઈ મહિનાથી જ રસ્તા તથા ડુંગરોમાંથી નાના જલધોધ ફૂટી નીકળતાં હોય છે, જે પણ હવે નહિવત જોવા મળી રહ્યા છે. ડાંગ જિલ્લામાં ગત 6 વર્ષ કરતા ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં ઓછો વરસાદ નોંધાતાં ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે.
ગત પાંચ વર્ષના આંકડા
વર્ષ 2014 જુલાઈ
- આહવા : 814 મિમી, અર્થાત 32 ઇંચ
- વઘઇ : 1089 મિમી, અર્થાત 42.8 ઇંચ
- સુબિર: 641મિમી, અર્થાત 25.2 ઇંચ
- કુલ: 100 ઇંચ
વર્ષ 2015 જુલાઈ
- આહવા : 917 મિમી, અર્થાત 36.1 ઇંચ
- વઘઇ : 927 મિમી, અર્થાત 36. 5 ઇંચ
- સુબિર 760 મિમી, અર્થાત 29.9 ઇંચ
- કુલ: 102 ઇંચ
વર્ષ 2016 જુલાઈ
- આહવા: 809 મિમી, અર્થાત 31 ઇંચ
- વઘઇ : 907 મિમી, અર્થાત 35 ઇંચ
- સુબિર: 774 મિમી, અર્થાત 30 ઇંચ
- કુલ : 98 ઇંચ
વર્ષ 2017 જુલાઈ
- આહવા: 1033 મિમી, અર્થાત 40 ઇંચ
- વઘઇ: 1740 મિમી, અર્થાત 68.5 ઇંચ
- સુબિર: 964 મિમી, અર્થાત 37.9 ઇંચ
- કુલ: 147 ઇંચ
વર્ષ 2018 જુલાઈ
- આહવા 1277 મિમી, અર્થાત 50 ઇંચ
- વઘઇ: 2573 મિમી, અર્થાત 101 ઇંચ
- સુબિર: 1143 મિમી, અર્થાત 45 ઇંચ
- કુલ : 196 ઇંચ
વર્ષ 2019 જુલાઈ
- આહવા: 1008 મિમી, અર્થાત 39.6 ઇંચ
- વઘઇ: 1818 મિમી, અર્થાત 71 ઇંચ
- સુબિર: 992 મિમી, અર્થાત 39
- કુલ : 150 ઇંચ
વર્ષ 2020 જુલાઈ
- આહવા: 516 મિમી, અર્થાત 20 ઇંચ
- વઘઇ : 496 મિમી, અર્થાત 19 ઇંચ
- સુબિર: 465 મિમી, અર્થાત 18 ઇંચ
- કુલ: 58 ઇંચ
ડાંગ જિલ્લામાં દર વર્ષે ભારેથી અતિભારે વરસાદ પડતો હોય છે. જેમાં ડાંગના ખેડૂતો આ વરસાદ આધારિત ખેતી પર નિભર છે. ત્યારે આ વર્ષે છેલ્લા 6 વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાતાં ડાંગના ખેડૂતો માટે ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે.