ડાંગ: જિલ્લામાં 5 જૂનના રોજ મળી આવેલા કોરોના પોઝિટિવ બે દર્દીઓ સંપૂર્ણ સાજા થઇ જતા તેમને સોમવારે રજા આપવામાં આવી હતી.
ડાંગ કલેક્ટર એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વહીવટી તંત્ર સહિત આરોગ્ય વિભાગની ટીમ કોરોના સામે જંગ લડવા કટીબદ્ધ હતી. હનવતચૌંડ ગામ અને સુન્દા ગામથી મળી આવેલા કોરોના પોઝિટિવ દર્દીઓના નજીકના સંબંધીઓનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો.
જનરલ સિવિલ હોસ્પિટલ આહવાના ઇંન્ચાર્જ સિવિલ સર્જન ડૉ.રશ્મિકાંત કોંકણીએ જણાવ્યું હતું કે, આ દર્દીઓને આહવા ખાતે જ આઇસોલેશન સેન્ટરમાં દાખલ કરાયા હતા.
ઉલ્લેખનિય છે કે, અગાઉ એપ્રિલ માસમાં પણ ૩ દર્દીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા જેમની સારવાર ડાંગ જિલ્લામાં જ કરવામાં આવતા તેઓ સંપૂર્ણ સાજા થઇ ગયા હતા.
ડાંગ જિલ્લો કોરોનામુક્ત બન્યાના એક મહિનામાં ગ્રામ્ય કક્ષામાં ખાસ કરીને કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવતા હોવા છતા બે કેસો મળી આવતા ડાંગના જિલ્લામાં ભયનો માહોલ છવાયો હતો. ગ્રામ્ય કક્ષામાંથી મળી આવેલા દર્દીઓ પૈકી એક 19 વર્ષની સગર્ભા યુવતી હતી. તેમજ બીજી 63 વર્ષની મહિલા હતી. આ બંને દર્દીઓને આહવાની જનરલ હોસ્પિટલ ખાતે સંપૂર્ણ સારવાર આપવામાં આવી હતી. જે બાદ તેઓ સાજા થઈ જતાં ડાંગ જિલ્લો કોરોના મુક્ત બન્યો છે.
ડાંગ જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ ન ફેલાય તેના ભાગરૂપે સરકારના દિશાનિર્દેશ સાથે આગળ વધી ડાંગ જિલ્લો હંમેશા ગ્રીન ઝોન બની રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર ખૂબ જ સાવધાની સાથે કામગીરી કરી રહ્યું છે. જેના પરિણામે ડાંગ જિલ્લો ફરી કોરોનામુક્ત થઇ હંમેશા ગ્રીનઝોન બની રહેવા સજ્જ થઇ ગયો છે.