ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે સવારેથી જ ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો હતો. થોડીવાર જ વરસાદે રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં જિલ્લામાં સાર્વત્રિક જગ્યાએ ધોધમાર વરસાદ વરસી જવા પામ્યો હતો. ધોધમાર વરસાદને પગલે ઠેર-ઠેર નદી તળાવો પાણીથી છલકાઇ ગયા હતા. નદીઓમાં નવા નીર આવતાંની સાથે જ ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. ધોધમાર વરસાદમાં પણ ધરતીપુત્રો ખેતી કરતાં નજરે ચડ્યા હતા.
ડાંગ જિલ્લામાં ગત બે - ત્રણ દિવસથી ધોધમાર વરસાદને પગલે વાતાવરણ આહલાદક બની ગયું છે. આ સાથે જ જિલ્લાનું મુખ્ય મથક આહવા અને સાપુતારાની ચારે તરફ સૌંદર્ય પ્રસરી ગઈ હતી. સાપુતારામાં ધુમ્મસમય વાતાવરણ છવાઈ જતાં દિવસે પણ વાહનોની લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી હતી. મળતી માહિતી મુજબ વરસાદને લીધે ધુમ્મસમય વાતાવરણમાં માલેગાંવ- સાપુતારા ઘાટમાર્ગમાં બે થી ત્રણ ટ્રક પલટી જવાની વિગતો સાપડી છે.
સવારથી જ ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી ગયો હતો. ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં 181 મીમી વરસાદ નોંધાયો હતો. જે જિલ્લામાં સૌથી વધુ વરસાદ હતો. આહવા તાલુકામાં 60 મિમી, સુબીર તાલુકામાં 82 મીમી જ્યારે ગિરિમથક સાપુતારામાં 66 મીમી વરસાદ નોંધાયો હતો. દિવસભર વરસાદને પગલે સાપુતારાના વાતાવરણમાં ધુમ્મસ છવાઈ ગઈ હતી. આ ધુમ્મસમય વાતાવરણમાં પણ પ્રવાસીઓ વરસાદી આનંદ લેતા નજરે ચડ્યા હતા.