- આહવા સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન સુવિધા બાબતે આવેદન
- કોંગ્રેસના જિલ્લાપ્રમુખ મોતીલાલ ચોધરીએ કલેક્ટરને રજૂઆત કરી
- ડાંગના લોકોને અન્ય જિલ્લાઓમાં સીટી સ્કેન માટે જવું પડે છે
ડાંગઃ જિલ્લામાં આવેલી આહવા સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેનની સુવિધા ઉપલબ્ધ નથી. જેના કારણે દર્દીઓને સીટી સ્કેન રિપોર્ટ કઢાવવા માટે અન્ય જિલ્લામાં જવુ પડે છે. સાથે દૂર જવુ પડતુ હોવાથી ભાડા સહિત સીટી સ્કેનનો ખર્ચો પણ વધારે થાય છે. જે ડાંગના લોકોને પરવડે તેમ નથી. આર્થિક પરિસ્થિતિથી મજબુર દર્દીઓને અન્ય જિલ્લાઓમાં જવુ ન પડે અને ઘર આંગણે જિલ્લામાં સીટી સ્કેનની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ડાંગ કોંગ્રેસ સમિતિના પ્રમુખ મોતીલાલ ચોધરીએ કલેક્ટરને આવેદનપત્ર આપીને સીટી સ્કેનની સુવિધા ઉપલબ્ધ કરવા માટે અરજી કરી હતી.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખે સીટી સ્કેન સુવિધા ઉપલબ્ધ કરવાની કરી માગ
ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મોતીલાલ ચોધરીએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, જિલ્લાની સી.એચ.સી, પી.એચ.સી અને સિવિલ હોસ્પિટલમાં RT-PCR ટેસ્ટ કરવાથી પોઝિટિવ કે નેગેટિવ રિપોર્ટ આવે છે. પરંતુ ઘણા દર્દીઓને કોરોનાના લક્ષણો હોવા છતાંય રિપોર્ટ નેગેટિવ આવે છે. તેવા સંજોગોમાં ડોકટર દ્વારા દર્દીઓને સીટી સ્કેન કરવાની સલાહ આપવામાં આવે છે. ડાંગથી સીટી સ્કેન માટે દર્દીઓને 100થી 150 કી.મી દૂર જવુ પડે છે અને સીટી સ્કેનનો ખર્ચો પણ વધારે હોવાથી ડાંગની ગરીબ પ્રજાને તે પોસાય એમ નથી, ત્યારે આહવા સિવિલ હોસ્પિટલમાં જ આ સુવિધા ઉપલબ્ધ કરવા આવે તેવી માગ કરી છે.
આ પણ વાંચોઃ ડાંગ જિલ્લા કોરોના અપડેટ: 22 કેસ પોઝિટિવ આવ્યા, 24 દર્દીઓને રજા અપાઈ
ઈમરજન્સી વોર્ડમાં ઓક્સિજન સુવિધા પુરી કરવા માગ
આહવા સિવિલમાં કોવિડના દર્દીઓ માટે ઓક્સિજનની સુવિધા છે. પરંતુ સિવિલના ઇમરજન્સી વોર્ડ અને અન્ય વોર્ડમાં ઑક્સિજનની સુવિધા નથી. ત્યારે હૃદયની બીમારી, ગંભીર અકસ્માત કે અન્ય બીજી મોટી બીમારીઓ માટે ઓક્સિજનની જરૂર પડી શકે છે. જેથી ત્યાં પણ ઓક્સિજન ઉપલબ્ધ કરવા કોંગ્રેસ પ્રમુખે માગ કરી છે.