ડાંગ: જિલ્લામાં પેટા ચૂંટણી યોજાનારી છે. ત્યારે ભાજપ અને કોગ્રેસ બન્ને પાર્ટી મેદાનમાં છે. 173 વિધાનસભાની અનુસુચીત જનજાતિની બેઠક ઉપર ગત માર્ચ મહિનામાં પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતે રાજીનામું આપ્યું હતું. જે બાદ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ડાંગ બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાશે. ઉમેદવાર અથવા તેમના નામની દરખાસ્ત મુકનારા પૈકી કોઈ એક વ્યક્તિ ચૂંટણી અધિકારી, 173-ડાંગ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, આહવા-ડાંગને, અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, 173-ડાંગ વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર-કમ-ચીટનીશ ટુ કલેકટર, આહવા-ડાંગ જિલ્લા સેવા સદન ખાતે 16 ઓક્ટોબર સુધીમાં જાહેર રજા સિવાય સવારના 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધીમા નામાંકન પત્ર પહોચાડી શકશે.
નામાંકન પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારી 173 ડાંગ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી આહવા-ડાંગ, નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, જૂની કલેકટર કચેરી, આહવા-ડાંગ ખાતે 17 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગ્યે કરવામા આવશે. ઉમેદવારી પાછી ખેંચવા અંગેની પ્રક્રિયા 19 ઓક્ટોબર સુધીમાં કરી શકાશે. ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા 3 નવેમ્બર સવારે 7 થી સાંજે 6 દરમિયાન થશે. જ્યારે 10 નવેમ્બરના રોજ મત ગણતરી કરવામાં આવશે.