ડાંગ : ડાંગ જિલ્લાના સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટ માર્ગનાં બીજા વળાંક પાસે લાકડાનો જથ્થો ભરેલી ટ્રક કાર પર પલટી ગઇ હતી. GJ 14 X 0786 નંબરની ટ્રકના ચાલકે કાબુ ગુમાવી દઈ એકાએક નજીકથી પસાર થઈ રહેલ ગાડી નંબર GJ 18 BM 0701 CRETA પર પલ્ટી મારી જતા સ્થળ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં લાકડા ભરેલ ટ્રક ક્રેટા ગાડી પર પલ્ટી મારી જતા સ્થળ પર ટ્રક નીચે ક્રેટા ગાડી ખુરદો બોલાઈને દબાઈ જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
પાંચ લોકોમાંથી ચારના ઘટનાસ્થળે જ મોત : આ બનાવની જાણ ડાંગ જિલ્લાનાં નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલને થતા તેઓનાં સૂચના અનુસાર સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ. કે.જે.નિરંજનની ટીમે સ્થળ પર ધસી જઈ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. બે જેટલા જેસીબી તથા ક્રેનની વ્યવસ્થા કરી ટ્રક નીચે દબાયેલ ક્રેટા ગાડીને બહાર કાઢી યુદ્ધનાં ધોરણે બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અહી સાપુતારા પોલીસની ટીમ તથા સ્થાનિક નોટી ફાઇડ એરીયા કચેરીનાં ચીફ ઓફિસર ડૉ ચિંતન વૈષ્ણવની ટીમ તથા સ્થાનિકોએ ક્રેટા ગાડીમાં સવાર ત્રણ મહિલા તથા એક બાળકી અને પુરુષ મળી કુલ પાંચ વ્યક્તિઓને બહાર કાઢી સરકારી તથા 108 એમ્બ્યુલન્સ દ્વારા શામગહાન સી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જોકે કારમાં સવાર પાંચ લોકોમાંથી ચારના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.
એક જ પરિવારના ચારના મોત : આ ગમખ્વાર અકસ્માતમાં ક્રેટા ગાડીમાં સવાર એક જ પરિવારનાં સભ્યોમાં (1) રમનાબેન તાલુરવર ઠાકુર.રે.બરોડા તથા (2)અમિતકુમાર પારસનાથ રાજપૂત તથા તેઓની પત્ની (3) પ્રિયંકા અમિતકુમાર રાજપૂત તેમજ તેઓની 2 વર્ષની માસૂમ દીકરી નામે (4)અનાયા અમિત કુમાર રાજપૂત તમામ.રે.પાલેજ ગાંધીનગરનું સ્થળ પર દબાઈ જવાનાં પગલે કમકમાટીભર્યું મોત નીપજ્યુ હતું. જ્યારે તેઓની સાથે સવાર અન્ય એક વૃદ્ધા નામે મીરાબેન રામઆશ્રય ઠાકુર નો ચમત્કારિક બચાવ થયો હતો.જે વૃદ્ધાની સારવાર શામગહાન સી.એચ. સી ખાતે કરવામાં આવતા તેઓની સ્થિતિ સ્ટેબલ છે. હાલમાં આ અકસ્માતનાં બનાવ અંગે સાપુતારા પી.એસ.આઈ. કે.જે.નિરંજન દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રકચાલક અને ક્લીનરને ઈજાઓ : આ અકસ્માતનાં બનાવમાં મૃત ચારેય લોકોની ડેડબોડી શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવામાં આવી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 2 વર્ષની માસૂમ બાળકીનું મૃત્યુ થતા સ્થળ પર હાજર અધિકારીઓ તથા સ્થાનિકોનાં હૃદય હચમચી ઉઠ્યા હતા. વધુમાં ટ્રકચાલક નામે દલપતભાઈ નારણભાઈ ખુમાણ તથા ક્લીનર જયદીપ ધીરુભાઈ કોટડિયા બન્ને રે.દેવડા,ગોંડલ રાજકોટનાઓને પણ ઇજા થતા તેઓને સારવારનાં અર્થે સાપુતારા પી.એચ.સી ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
9 કિલોમીટરનો માર્ગ જોખમી : સાપુતારાથી શામગહાનને જોડતો 9 કિલોમીટરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તંત્રની બેદરકારીના કારણેે લોહિયાળ ઘાટ બની જવા પામ્યો છે. સાપુતારાથી શામગહાનને જોડતો 9 કિલોમીટરનો માર્ગ જ્યારથી રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં તબદીલ થયો છે ત્યારથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નવસારી વિભાગની ઘોર બેદરકારીના પગલે આ ઘાટ માર્ગમાં અવારનવાર અકસ્માતની વણઝાર લાગી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ દ્વારા આ માર્ગમાં નવીનીકરણનાં નામે માત્રને માત્ર ભ્રષ્ટાચાર જ આચરતા અનેક વાહનચાલકોને જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે.