- સમગ્ર દેશમાં રસીકરણનો આરંભ
- ડાંગ જિલ્લામાં 2 સ્થળોએ વેક્સિનેશનનો પ્રારંભ કરાયો
- 200 લોકોને વેક્સિન અપાઇ
ડાંગઃ આહવાની સિવિલ હોસ્પિટલ અને સાકરપાતળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાન ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતમાં કોરોના વેક્સિનનો પ્રારંભ કરાયો હતો. જેમાં આહવા ખાતે 100 અને સાકરપાતળ ખાતે 100 એમ કુલ 200 આરોગ્ય કર્મીઓને વેક્સિન આપવામાં આવી હતી.
ડાંગ જિલ્લામા બે સ્થળોએ રસીકરણ શરુ કરાયું
જિલ્લામાં કુલ 200 આરોગ્ય કર્મીઓએ વેક્સિન લીધી હતી. ડાંગ જિલ્લામા આહવાની સિવિલ હોસ્પિટલ અને સાકરપાતળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બન્ને જગ્યાએ કુલ 200 આરોગ્યકર્મીઓને રસી આપવામાં આવી હતી.
ડાંગ જિલ્લામાં પ્રથમ તબક્કે 52,707 રસી આપવામાં આવશે
ડાંગ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.સંજય શાહે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લામા પ્રથમ તબક્કે 2112 જેટલા હેલ્થ કેર વર્કરોને રસી અપાશે. ત્યારબાદ 9,184 જેટલા ફ્રન્ટલાઈન વર્કરો, 50 વર્ષથી વધુ 43,639 જેટલા નાગરિકો અને 1,968 જેટલા 15થી 50 વર્ષની વયજૂથના કોમોર્બિટ પ્રજાજનો મળી કુલ 52,707 જેટલા લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવશે.
જિલ્લામાં હાલ કોરોના વાઈરસનાં કુલ 21 કેસ એક્ટિવ
જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.ડી.સી.ગામીતે જણાવ્યું હતું કે, જિલ્લામાં આજની તારીખે કુલ 159 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત 21 જેટલા કેસ એક્ટિવ તથા 138 દર્દીઓને તેઓ સાજા થતા રજા આપી હોવાની વિગતો આપી હતી. આજદિન સુધી જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કુલ 29,345 જેટલા કોરોના ટેસ્ટ કરાયા હોવાનુ પણ તેમણે જણાવ્યું હતું.