ગત દિવસો દરમિયાન આહવા તાલુકાના ગાઢવી અને સુબિર તાલુકાના બીજુરપાડામાં આવા જ બાળલગ્ન અટકાવ્યા બાદ તાજેતરમાં ફરીથી સુબિર તાલુકાના મોખામાળ ગામે સગીર વયના યુવક/યુવતીઓના લગ્નની સચોટ બાતમી મળતા જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી જિગ્નેશ ચૌધરી તથા તેમની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. સ્થાનિક પોલીસ અધિકારીઓ સહિત બાળ સુરક્ષા એકમના લીગલ કમ પ્રોબેશન ઓફિસર ભૂપેન્દ્ર ધૂમ અને દિવ્યેશભાઇની ટીમે લગ્નના માંડવે જઇ લગ્નોત્સુક વરવધુના દસ્તાવેજોની ચકાસણી હાથ ધરી હતી.
જેમાં વધુની ઉંમર નિયમ કરતા ઓછી જણાતા આ બાબતની કાયદાકીય જાણકારી સાથે લગ્નબાદ ઉદ્ભવતી સામાજિક અને શારીરિક સમસ્યાઓથી વરવધુ સહિત તેમના પરિજનો અને ગ્રામજનોને જરૂરી સમજ પુરી પાડવામાં આવી હતી. આમ, વધુ એક બાળલગ્ન રોકી જિલ્લા તંત્રે ડાંગ જિલ્લાના પ્રજાજનોને જરુરી સંદેશો પાઠવ્યો છે.