ડાંગઃ દીકરીના જન્મને વધામણી કરવી જોઈએ એમ જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ ઉપસ્થિત તમામ લોકોને જણાવ્યું હતું કે હાલમાં જ દીકરીઓનો જન્મદર ઓછો થઇ રહ્યો છે. જે માટે સરકાર પણ ચિંતિત છે. માતૃવંદના,કસ્તુર બા પોષણ સહાય યોજના,હાલમાં જ લોંચ થયેલી વ્હાલી દીકરી યોજના જેવી વિવિધ યોજનાઓનો આશય દીકરીઓનું પ્રમાણ વધે તે છે. વ્હાલી દીકરી યોજના ઓગષ્ટ-૨૦૧૯ માસથી અમલી બની છે. રૂપિયા બે લાખથી ઓછી આવક ધરાવતા વાલીને આ યોજનાનો લાભ મળી શકે છે. જેમાં દીકરી પુખ્ત વયની થાય ત્યાં સુધીમાં રૂા.૧,૧૦,૦૦૦ ની સહાય તેમના માં-બાપને આપવાની જોગવાઈ છે. ડાંગની સ્ત્રી શક્તિને ઉજાગર કરીએ. સ્ત્રીઓ સમાજમાં માનભેર જીવી શકે તે માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ૩૩ ટકા અનામત આપી છે. સ્ત્રી શિક્ષણનું પ્રમાણ વધે તે માટે આપણે જાગૃત બનીએ.
દહેજ પ્રતિબંધક અધિકારી એસ.ડી.સોરઠિયાએ શાબ્દિક પ્રવચનમાં જણાવ્યું હતું કે આજે રાષ્ટ્રિય દીકરી દિવસ છે. જ્યાં નારીનું પૂંજન થાય ત્યાં દેવતાઓનો વાસ છે. આપણને આ દિવસ ઉજવણી કરવાની જરૂર એટલા માટે પડી કે દિવસે વિદસે દીકરીઓનું પ્રમાણ સમાજમાં ઓછુ થતું જાય છે. આપણે સૌ દીકરીઓનું સન્માન કરીએ, સમાજમાં દીકરીઓનું સાતત્યપૂર્ણ અસ્તિત્વ ટકાવી રાખવા તથા બાળલગ્ન અટકાવવા સહિયારા પ્રયાસ હાથ ધરીએ. દીકરીઓનું સામાજીક સ્થાન ઉંચુ આવે તથા શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ધટે તેવા સંદેશ સાથે આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે. વ્હાલી દીકરી યોજના અંતર્ગત ડાંગમાં ૭૧૮ દીકરીઓને લાભ આપવામાં આવ્યો છે. દીકરીઓના જન્મદરના પ્રમાણમાં સમગ્ર રાજ્યમાં ડાંગ બીજા નંબરે છે.
મહિલા અને બાળ કલ્યાણ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન ગેડિયાએ જણાવ્યું હતું કે જે માતા પ્રથમ વખતે સગર્ભા બને છે, ત્યારે રૂા.૫,૦૦૦ ની સહાય આપવામાં આવે છે તે માટે આધારકાર્ડ,રેશનકાર્ડ તથા મમતા કાર્ડ જરૂરી છે. સામાજીક દુષણો નાબુદ કરી અત્યાચાર અટકાવવાનો સંદેશ સમાજમાં દરેકે આપવો જોઈએ.
નેશનલ ચાઈલ્ડ ડેની ઉજવણી નિમિત્તે વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને મહાનુભાવો દ્વારા પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. તેમજ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ વિજેતા દીકરીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી નરેન્દ્ર ઠાકરે, એ.ડી.આઈઓ,૧૮૧ અભયમ, આચાર્ય પ્રજેશભાઈ ટંડેલ સહિત મોટી સંખ્યામાં વિઘાર્થીઓ ઉપસ્થિત રહી શપથ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતમાં આભારવિધિ બાલ સુરક્ષા અધિકારી ચિરાગ જોષીએ કરી હતી.