- કલેક્ટરે આદિવાસી સંસ્કૃતિને બિરદાવી
- પ્રકૃતિ સાથે જોડાયેલી પ્રજામાં કોરોનાનું સંક્રમણ ઓછુ
- સોશિયલ ડિસ્ટન્સિંંગ સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી
ડાંગ: 26મી જાન્યુઆરીના રોજ દેશભરમાં રાષ્ટ્રીય પર્વ એવા 72મા પ્રજાસતાક દિવસની ઉજવણી થઈ રહી છે. તેના ભાગરૂપે ડાંગમાં જિલ્લા કક્ષાની ઉજવણી આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કલેક્ટરે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. આ પછી તેમણે પોલીસ બેન્ડ પ્લાન્ટુન, હોમગાર્ડ પ્લાન્ટુન અને વનમહિલા પ્લાન્ટુન પરેડનું નિરિક્ષણ કર્યું હતું.
ધ્વજવંદન પ્રસંગે કલેક્ટરે જિલ્લાવાસીઓનો આભાર વ્યક્ત કર્યો
ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી એચ. કે. વઢવાણીયાએ જણાવ્યું હતું કે, દેશની આઝાદી માટે દેશના સપૂૂતોએ આપેલું બલિદાન ક્યારેય ભૂલી નહિ શકાય. તેમના બલિદાન માટે દેશ સદાય તેમને યાદ કરશે. પ્રજાસત્તાક પર્વની શુુભકામનાઓ પાઠવતા મહાન ક્રાંતિકારીઓ, સ્વાતંત્ર સેનાનીઓ, શહીદો અને આ દેશની રક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરનાર તેમજ ડાંગ જિલ્લાના તમામ રહેવાસીઓનો કલેક્ટરે આભાર માન્યો હતો.
આદિવાસી સંસ્કૃતિ અને જીવન શૈલીને કારણે કોરોનાથી બચી શક્યાં - ડાંગ કલેક્ટર
પ્રકૃતિ અને પર્યાવરણની અવગણના હવે માનવ જીવનને પરવડે તેમ નથી. આપણી રોજીંદી જીવન શૈલી બદલીને, આપણે પ્રકૃતિ સાથે તાલમેલ સાધવો પડશે. કોરોનાના આ કપરા સમયમાં આપણે જોઈ શક્યા છીએ કે, જે લોકો પર્યાવરણ સાથે જોડાયેલા રહ્યા છે, તેઓ કોરોનાના સંક્રમણથી મહદઅંશે બચી શક્યા છે. સ્વચ્છ અને સુઘડ જીવન શૈલી, શુદ્ધ સાત્વિક ખાનપાન અને મહેનતકશ પ્રજા કોરોનાનો સામનો કરી શકી છે. ડાંગના લોકોની જીવનશૈલીએ પ્રજાને કોરોના વાઇરસથી બચાવ્યા છે એમ કલેક્ટરે જણાવ્યું હતું.
ધ્વજવંદન કાર્યક્રમ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
સાંસ્કૃતિક કાર્યક્રમો અંતર્ગત સની મેજીક શો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમજ ડાંગ જિલ્લામાં કોરોના સમય દરમિયાન સારી કામગીરી બજાવેલા આરોગ્ય કર્મીઓને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. પોલીસ કર્મીઓ, વનપાલ કર્મીઓ, જી.આર.ડી. યુનિટ, તેમજ હોમગાર્ડના જવાનોને, કલેકટરના હસ્તે તેમજ અન્ય અધિકારીઓ દ્વારા ટ્રૉફી અને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
સામાજીક કાર્ય સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી
શિક્ષણ વિભાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ આયુર્વેદીક વિભાગ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયુર્વેદીક અમૃતપેય ઉકાળા માટે કેમ્પ તેમજ જિલ્લા પંચાયત કચેરી તેમજ સરકારી આયુર્વેદીક વિભાગના સયુંકત ઉપક્રમે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસ હેડ ક્વાટર ખાતે ઔષધિ અને વનસ્પતિઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કલેકટર તેમજ અધિકારીઓના અને ડાંગના રાજવીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સરહદ ઉપર ડાંગ જિલ્લાનું નામ રોશન કરનારા શૂરવીરોનું કલેકટરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. પ્રજાસતાક પર્વની ઉજવણી નિમિત્તે સરકારના દિશા નિર્દેશો અનુસાર સોશિયલ ડીસ્ટસીન્ગ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
જિલ્લાનાં તમામ અધિકારીઓ ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત
પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અધિક નિવાસી કલેકટર ટી. કે. ડામોર, પ્રયોજના અધિકારી કે. જી. ભગોરા, પોલીસ અધિક્ષક રવીન્દ્રસિંહ જાડેજા, પ્રાંતઅધિકારી કાજલ ગામીત, દક્ષિણ વિભાગના નાયબ વન સરક્ષક નીલેશ પંડયા, અધિક આરોગ્ય નિયામક સંજય પંડયા, નાયબ પોલીસ અધિક્ષક પી.જી.પટેલ, માર્ગ મકાન વિભાગ અધિકારી એસ. આર. પટેલ, અમીષ પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી મણીલાલ ભુસારા તેમજ ડાંગની ગોલ્ડ મેડાલીસ્ટ સરિતા ગાયકવાડ તેમજ ડાંગનાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યાં હતાં.