ડાંગ : આદિવાસી પ્રજામાં વાઘ બારસના તહેવારનું ખૂબ મહત્વ છે. વર્ષો પહેલા જ્યારે આ વિસ્તારમાં ગીચ જંગલ હતું ત્યારે અહીં વાઘની વસ્તી વિશેષ હતી. વાઘ જંગલનું સૌથી શક્તિશાળી પ્રાણી છે, તેથી તેના ભય તથા આદરભાવને કારણે તહેવારમાં વાઘદેવની પૂજા થાય છે. પરંપરાગત વિધિ પ્રમાણે ખેતરના પાળા પર સાગની એક ડાળખી રોપી તેની પાસે નવા તૈયાર થયેલા પાકનો નમૂનો, નારિયેળ અને દારૂથી પૂજા કરવામાં આવે છે, ત્યારબાદ પિતૃ અર્પણ કરાય છે.
વાઘ બારસની ઉજવણી : દંડકારણ્ય વન ડાંગ પ્રદેશ અને ડુંગર વિસ્તારમાં ખેતી અને પશુપાલન ક્ષેત્રે સંકળાયેલ આદિવાસી સમાજ જંગલી પશુઓ તેમજ પાલતુ જાનવરના રક્ષણ કાજે વાઘને જીવતા દેવ તરીકે દરજ્જો આપે છે. ઉપરાંત આદિવાસી દ્વારા સમાજ વાઘદેવને રિઝવવા માટે વાઘની પૂજા-અર્ચના કરી પરંપરાગત રીતે વાઘ બારસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ગાય અને વાછરડાની પણ પૂજા કરવામાં આવે છે. આ એક અનોખી ઉજવણી છે કારણ કે આ દિવસે ભક્તો માનવ જીવન નિર્વાહમાં યોગદાન માટે પવિત્ર ગાયનો આભાર માને છે.
દૈવી ગાય 'નંદિની' : વાઘ બારસના દિવસે આદિવાસી રીત રિવાજ મુજબ વાઘની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ દિવસ નંદિની વ્રત તરીકે પણ ઓળખાય છે, આ દિવસ અશ્વિન મહિનામાં દ્વાદશી (કૃષ્ણ પક્ષ) ની હિન્દુ તારીખે માનવામાં આવે છે. આ દિવસ મહારાષ્ટ્રમાં વસુ બારસ તરીકે પણ ઉજવવામાં આવે છે. વાઘ બારસ દૈવી ગાય 'નંદિની' ને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.
નંદિની વ્રતનું મહત્વ : ગાય હિન્દુ સંસ્કૃતિમાં એક અત્યંત પવિત્ર પશુ છે અને તે દરેક મનુષ્યને પોષણ પૂરું પાડતી હોવાથી પવિત્ર માતા તરીકે પૂજાય છે. આ દિવસે મહિલાઓ પોતાના બાળકોના સુખ અને લાંબા આયુષ્ય માટે નંદિની વ્રત રાખે છે. એવું પણ માનવામાં આવે છે કે જે નિસંતાન દંપતિ આ દિવસે ગાયની પૂજા કરે છે અને વ્રત રાખે છે તેમને જલ્દી સંતાન પ્રાપ્તિ થાય છે. આ વ્રત દરમિયાન ભક્તો કોઈ પણ ડેરી અથવા ઘઉંના ઉત્પાદન ખાવાથી દૂર રહે છે.
વાઘદેવની પૂજન વિધિ : આદિવાસી સમાજની પરંપરાગત પણ અનોખી છે. વાઘ બારસના દિવસે વાઘદેવના સ્થાન કે પછી ગોઠવણ સાથે પાલતુ પશુઓ ગાય, ભેંસ કે ઘેંટા-બકરા લઈને પહોંચી જાય છે. પશુઓ ચરાવતા ગોવાળ અને ભક્તો પૂજા-સામગ્રી એકઠી કરે છે. પૂજન સમયે ગોવાળોમાંથી એક વાઘ અને બીજો ભાલડુ બને છે. આ પ્રતીકાત્મક વાઘ અને ભાલડુ બનવું સૌભાગ્ય સમાન હોય છે. દરેક ગોવાળોમાં આ પૂજન સમયે અનેરો ઉત્સાહ હોય છે. જેમાં આસપાસના ગામોમાં આ પૂજન સમયે અનેરો ઉત્સાહ હોય છે.
અનોખી પરંપરા : વાઘ બારસની ઉજવણીમાં ભગત વિધિ કરાવે છે. જેમાં આસપાસના ગામોમાં જંગલી પ્રાણીઓએ માનવી કે પાલતુ પશુઓ પર હુમલો કર્યા હોય એનું વર્ણન પણ કરવામાં આવે છે. વાઘ અને ભાલડુ બનેલા વ્યક્તિના કમરે કાપડમાં ભાખર તેમજ કાચા ચોખા બાંધી આપવામાં આવે છે. પૂજા અને તિલક કર્યા બાદ પશુધનને પ્રદક્ષિણા કરવામાં આવે છે. અને ઔષધીનો છંટકાવ કરવામાં આવે છે. વિધિઓના અંતે વાઘ આવ્યોની બૂમો પડે ત્યારે વાઘ અને ભાલડુ બંને ભાગવા માંડે છે. ત્યારે તેમની ઉપર ચેવટાનો મારો વરસાવવામાં આવે છે. આમાંથી બચીને ગોવાળો જંગલ બાજુ ભાગી જાય છે. અને અંતે લોટમાંથી બનાવેલા ભાખર ખીચુંનું સમૂહ ભોજન થાય છે. વધેલું વન ઔષધ લોકો ઘરે લઈ જાય અને જ્યાં પશુઓ રાખવામાં આવે છે ત્યાં છાંટવામાં આવે છે.