ડાંગ: અગાઉ ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના 8 જેટલા ધારાસભ્યોએ ખરીદ ફરોશની નીતિમાં સામેલ થઇ અચાનક રાજીનામુ ધરી દેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં હડકંપ મચી જવા પામ્યો હતો. જેમાં દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો હંમેશા ભાજપા સરકાર ઉપર પ્રહાર કરનાર અને જાહેર કાર્યક્રમોમાં ભાજપાનો વિરોધ કરનાર કપરાડાનાં કોંગ્રેસી ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી અને ડાંગ જિલ્લાના કોંગ્રેસી ધારાસભ્ય મંગળભાઈ ગાવીત દ્વારા વિકાસનો મુદ્દો ધરી અચાનક રાજીનામુ ધરી દેતા દક્ષિણ ગુજરાતના ગઢ સમાન કોંગ્રેસની છાવણીમાં સોંપો પડી ગયો હતો.
હવે દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસી કાર્યકરોનું મનોબળ મજબૂત થાય તે માટે અને આવનારી પેટા ચૂંટણીઓમાં યોગ્ય ઉમેદવારોની પસંદગી થાય માટે કોંગ્રેસ દ્વારા બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. કોંગ્રેસી ધારાસભ્ય મંગળભાઇ ગાવિત દ્વારા રાજીનામું આપી દેવામાં આવતા કોંગ્રેસની વિધાનસભાની બેઠક ખાલી પડી છે જેના માટે અલગ અલગ વિસ્તારોમાં બૂથ લેવલે કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે બેઠકો યોજી ચૂંટણીનો એજન્ડા નક્કી કરવામાં આવી રહ્યો છે.
ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષમાંથી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્યક્ષ અને ડાંગ જિલ્લા કોંગ્રેસ પક્ષના ભામાશા તરીકે ઓળખ ધરાવનાર ચંદરભાઈ ગાવીત ઉપર પ્રથમ પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે. ઉપરાંત ડાંગ કોંગ્રેસમાંથી મોતીલાલભાઈ ચૌધરી,સ્નેહલ ઠાકરે,મુકેશભાઈ પટેલ,સૂર્યકાંત ગાવીત અને મોહનભાઈ ભોયે જેવા અગ્રણીઓનાં નામો પણ ટીકીટ માટેની રેસમાં ચર્ચાઈ રહ્યા છે.
જ્યારે ડાંગ ભાજપ દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દેનાર માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવીત ઉપર પ્રથમ પસંદગીનો કળશ ઢોળી શકાય છે. તેમના સિવાય ભાજપના માજી ધારાસભ્ય વિજયભાઈ પટેલ,બાબુરાવભાઈ ચૌર્યા,દશરથભાઈ પવાર,સુરેશભાઈ ચૌધરી તેમજ કિશોરભાઈ ગાવીત ટીકીટની રેસમાં હોવાનું હાલમાં લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે.
ડાંગ જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનાર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર અને ટીકીટ બાબતે હાલમાં બન્ને પક્ષના નેતાઓ ગુજરાત પ્રદેશનાં હાઇકમાન્ડનો જે નિર્ણય આવશે તે માન્ય રહેશે તેમ જણાવી મૌન સેવી રહ્યા છે.
જો ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી ચંદરભાઈ ગાવીતને તેમજ ભાજપમાંથી મંગળભાઈ ગાવીતને ટિકીટ મળશે તો ડાંગ જિલ્લાના રાજકારણમાં રસાકસીનો જંગ ખેલાશે કારણ કે આ બન્ને નેતાઓની જુગલ જોડી એક સમયે સૌ કોઇનાં આંખે ઉડીને વળગતી હતી.જિલ્લામાં આ બન્ને કદાવર નેતાઓની ઓળખ, કાર્યો અને મતદારો ઉપરનું પ્રભુત્વ ગ્રાઉન્ડ લેવલ સુધીનું છે.જેથી આ બન્ને ઉમેદવારોને જો આમને સામને ટિકીટ મળશે તો ડાંગના રાજકારણમાં કાંટે કી ટક્કર જોવા મળશે.