ડાંગઃ રાજ્યમાં ખાલી પડેલી 8 બેઠકોની પેટા ચૂંટણી ટૂંક સમયમાં યોજાવાની છે. ત્યારે જિલ્લામાં વિધાનસભાની આદિવાસી બેઠક જીતવા માટે ભાજપ પક્ષે એડીચોટીનું જોર લગાવ્યું છે. ગત બે મહીનાઓમાં આદિજાતિ પ્રધાન ગણપત વસાવની ઉપસ્થિતીમાં હજારો કોંગ્રેસી કાર્યકર્તાઓ, વઘઇ અને આહવા તાલુકાનાં ત્રણ સદસ્યો તેમજ બરડાં જિલ્લા પંચાયતના કોંગ્રેસી સભ્યો ભાજપ પક્ષમાં જોડાઈ જતા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે.
ડાંગ વિધાનસભાની બેઠક જીતવા માટેના પ્રયાસના ભાગરૂપે ગુરૂવારે રાજ્યના કેબિનેટ પ્રધાન ગણપત વસાવાની આગેવાનીમાં વઘઇ અને આહવામાં ભાજપનાં કાર્યકર્તાઓ સાથે મિટીંગ મળી હતી. જેમાં જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો, જિલ્લા તાલુકા અને સરપંચ કક્ષાએ જીતેલા તેમજ હારેલાં તમામ હોદ્દેદારો તેમજ માજી ધારાસભ્ય, ડાંગ ભાજપના મંત્રીઓ, સાંસદ પ્રભુ વસાવા, ઇશ્વર પરમાર, ધારાસભ્ય મોહનભાઇ, સુરત ભાજપના મહામંત્રી અશ્વિન અને સુરતના ધારાસભ્ય ઝખનાંબેન સહિત ભાજપ પક્ષનાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ ડાંગમાંથી કોંગ્રેસના સુપડા સાફ કરવાની સાથે ડાંગ વિધાનસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ચૂંટાઈ આવે તે માટે કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું. તેમજ ભાજપ પક્ષમાંથી ધારાસભ્યની ટિકિટ અંગે દાવો કરનારા મંગળભાઈ વિશે તેમણે જણાવ્યું હતું કે, આ બાબતે પાર્ટી નક્કી કરશે અને પાર્ટીએ નક્કી કરેલા ઉમેદવારને જીતાડવા માટે સૌ કાર્યકર્તાઓ સાથ આપશે. મંગળ ગાવીત ગત વિધાનસભામાં ચૂંટાઈ આવ્યાં હતા, જે બાદ તેઓએ રાજ્યસભાની ચૂંટણી સમયે રાજીનામુ આપી દેતાં કોંગી કાર્યકરોમાં હતાશા જોવા મળી હતી.
આ ઉપરાંત ભાજપ પક્ષ બૂથ લેવલ સુધી પોતાના કાર્યકર્તાઓને મજબૂત બનાવવા માટે, શક્તિ દૂતની બેઠક લઈ પેજ પ્રમુખની નિમણૂક કરી આગળની રણનીતિ બનાવે તે માટે ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલની આગેવાનીમાં આહવા ખાતે મીટીંગ મળી હતી. જેમાં આહવાનાં સરપંચ હરિરામ, રતિલાલ સાંવત તેમજ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ સંજય પાટીલે ભાજપ પક્ષના યુવાઓને ગ્રામ્ય લેવલે ભાજપને જીતવા માટેની કામગીરી મજબૂત કરવા આહવાન કર્યું હતું.