- ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનનાં ડિરેક્ટરનો મુખ્યપ્રધાનને પત્ર
- ડાંગ જિલ્લામાં 100 ઓક્સિજન બેડ વધારવા માંગ કરી
- જિલ્લામાં આરોગ્યકર્મીઓની ભરતી કરવા કોંગ્રેસની માંગ
ડાંગ: કોરોનાં મહામારીમાં જિલ્લાની ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓનાં આગેવાનો પ્રજાનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે સરકાર જોડે વિવિધ માંગ કરી રહ્યા છે. ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનનાં ડિરેક્ટર અને ભાજપના માજી પાર્ટી પ્રમુખ અને કોંગ્રેસ પ્રમુખ દ્વારા ઓક્સિજન બેડ વધારવા માંગ કરી છે. આ ઉપરાંત, જિલ્લામાં કોરોનાં સંક્રમણમાં વધારો થતા હોસ્પિટલમાં પૂરતો સ્ટાફની વ્યવસ્થા કરવાથી માંગણી કરી છે.
આ પણ વાચો: ડાંગ જિલ્લામાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા, 1 વ્યક્તિનું મોત
જિલ્લામાં 100 ઓક્સિજન બેડ વધારવા માંગ
ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનનાં ડીરેક્ટર બાબુરાવ ચૌર્યાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લેખિતમાં જણાવ્યુ છે કે, રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લાના 3 તાલુકામાં કુલ 311 ગામોનો સમાવેશ થાય છે. કોરોનાકાળનાં 2જા તબક્કા દરમિયાન ડાંગ જિલ્લામાં કેસો વધતા સ્થિતિ ખરાબ બની છે. જિલ્લામાં આવેલા તમામ ગામડાઓમાં નાના બાળકોથી લઈને વૃદ્ધોને તાવ, શરદી, ખાંસીની અસર જોવા મળી રહી છે. આ સાથે, સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન બેડ ઓછા પડતા હોવાથી લોકોને પૂરતા પ્રમાણમાં સેવા મળતી નથી. જેથી, ડાંગ જિલ્લાનાં અમુક લોકો સારવાર કરાવવા માટે બહારનાં જિલ્લામાં જાય છે. પરંતુ, ત્યાં પણ આ દર્દીઓને સુવિધા મળતી નથી.
PM કેર ફન્ડ માંથી ઑક્સિજન પ્લાન્ટ સ્થાપવાની માંગ
ગામડાઓમાં લોકો બીમાર હોવા છતાં સરકારી દવાખાનામાં સારવાર લેવા માટે ડર અનુભવી રહ્યા હોવાથી આરોગ્ય વિભાગને પણ જાગૃતિ લાવવા સૂચનો કરવા જણાવ્યુ છે. વધુમાં, તેઓએ પીએમ કેર ફંડમાંથી દેશની સાર્વજનિક હોસ્પિટલમાં PSએ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઓક્સિજન પ્લાન્ટ વહેલી તકે ડાંગની સિવિલ હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, PHC કેન્દ્રોમાં ફાળવી જિલ્લામાં મૃત્યુઆંક વધતો ઘટાડવા અને સમસ્યા હલ કરવા માટેની માંગણી કરી છે.
આ પણ વાચો: ડાંગ જિલ્લામાં કોરોનાના 10 નવા કેસ નોંધાયા, 4 દર્દીઓને રજા આપવામાં આવી
જિલ્લામાં આરોગ્ય કર્મીઓની ભરતી કરવા કોંગ્રેસની કલેક્ટરને રજુઆત
ડાંગ જિલ્લા કૉંગ્રેસ પાર્ટી પ્રમુખ મોતીલાલ ચૌધરીએ પણ કોવિડ 19ની મહામારીમાં જિલ્લાનાં ડોકટરોને અન્ય જિલ્લામાં મોકલવામાં આવ્યા છે. જેઓને જિલ્લામાં પરત બોલાવવા બાબતે ડાંગ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ. ડાંગમાં કોરોનાનાં પગલે મરણ દર વધી રહ્યો છે. જેથી, આ તમામ ડોકટરોને જિલ્લામાં પરત બોલાવવામાં આવવા જોઈએ. વધુમાં જણાવ્યુ છે કે, જિલ્લાનાં ફંડમાંથી સરકારી દવાખાનામાં હંગામી સ્ટાફ નિમણૂક તથા પૂરતા પ્રમાણમાં દવાઓના આયોજન બાબતે લેખિતમાં આવેદનપત્ર આપી ઘટતુ કરવાની માંગ કરી છે.