ડાંગ: જિલ્લામાં"ગુજરાત આત્મનિર્ભર યોજના” અંતર્ગત અમલી “મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના” તથા “કિસાન પરિવહન યોજના” નો ડાંગ જિલ્લાના ખેડૂતો ઓનલાઈન લાભ લઇ શકે છે.
ડાંગ જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર પ્રવર્તમાન “કોવિડ-19”ને કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિમાં રાજ્યના અર્થતંત્રને પુન: વેગવંતુ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા “ગુજરાત આત્મનિર્ભર પેકેજ”ની જાહેરાત કરવામાં આવી છે. જે અન્વયે રાજ્યના તમામ વર્ગના ખેડૂતો માટે વર્ષ 2020-21 માં નવી યોજના તરીકે “મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના” તેમજ કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે મીડીયમ સાઈઝના ગુડ્ઝ વાહનોની ખરીદી પર નાણાકીય સહાય પૂરી પડતી “કિસાન પરિવહન યોજના” જાહેર કરવામાં આવી છે.
જે અંતર્ગત ડાંગ જિલ્લાના ખેડૂતોને ઓનલાઈન અરજીઓ કરવા માટે આઈ.ખેડૂત પોર્ટલ ખૂલ્લુ મુકાયું છે. 9 જુલાઇ થી15 ઓગસ્ટ સુધી ખુલ્લા મુકાયેલા આઈ.ખેડૂત પોર્ટલ (ikhedut prtal)ના માધ્યમથી ખેડૂતો ઓનલાઈન અરજી કરી આ યોજનાઓનો લાભ મેળવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, “મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના” હેઠળ રાજ્યના ખેડૂતોને પોતાના ખેતરમાં પાક સંગ્રાહક સ્ટ્રક્ચર બનાવવાના કુલ ખર્ચના 30 ટકા અથવા રૂપિયા 30 હાજર, તેમજ કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે મીડીયમ સાઈઝના ગુડ્ઝ વાહનોની ખરીદી પર સહાય આપવાની “કિસાન પરિવહન યોજના” હેઠળ ખેતીવાડી ખાતા દ્વારા એમપેનલ્ડ કરેલા મીડીયમ સાઈઝના ગુડ્ઝ કેરેઝ વાહન ખરીદવા માટે નાના/સીમાંત/મહિલા/અનુ.જાતિ/અનુ.જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 35 ટકા અથવા રૂપિયા 75હજાર 2 માંથી જે ઓછું હોય તે પ્રમાણે સહાય આપવામાં આવે છે.