- પૂર્વ પટ્ટી વિસ્તારમાં નેટવર્ક સમસ્યા બાબતે કલેક્ટરને આવેદન
- નેટવર્ક સમસ્યા હલ ન થાય તો ચૂંટણીનો બહિષ્કાર
- સુરેશ ચૌધરીએ પાઠવ્યું આવેદન
ડાંગ: જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારના 20થી વધુ ગામડાઓમાં નેટવર્ક સમસ્યાથી લોકોને સંદેશાવ્યવહારમાં ભારે તકલીફોનો સામનો કરવાની નોબત ઉભી થઇ છે. હાલમાં કોરોનાની મહામારીના કારણે ધોરણ 1થી 9ની શાળાઓ બંધ છે, ત્યારે ફરીથી ડાંગના બાળકોને ઓનલાઈન શિક્ષણ લેવાની ફરજ પડી છે. જે પૂર્વપટ્ટીના ગામડાઓમાં નેટવર્ક સમસ્યાઓના કારણે શક્ય નથી.
2 વર્ષથી નેટવર્ક ચાલુ કરવામાં આવ્યું નથી
પૂર્વપટ્ટી વિસ્તારનાં કડમાળ ચીંચલી વિસ્તારમાં ગત 2 વર્ષથી જીઓનો ટાવર બનાવવામાં આવ્યો છે, પરંતુ તેને આજદિન સુધી ચાલુ કરવામાં આવ્યો નથી. જેના કારણે ઓનલાઈન તમામ કામગીરીઓ તેમજ ઈમરજન્સી સેવાઓ પણ ઠપ્પ પડી છે.
આ પણ વાંચોઃ કેવી રીતે ભણશે વિદ્યાર્થીઓ...? ઓનલાઇન શિક્ષણ વચ્ચે ઇન્ટરનેટ સેવાથી વંચિત છે અહીંના બાળકો
કેબિનેટ પ્રધાનને રજૂઆત છતાં સમસ્યાનું નિવારણ નહીં
આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, જિલ્લાના સંકલનના 5 મહિના અગાઉ કેબિનેટ પ્રધાન ગણપત વસવાના અધ્યક્ષ સ્થાને મીટિંગ યોજાઈ હતી. જેમાં પૂર્વપટ્ટીનાં નેતા સુરેશ ચૌધરીએ નેટવર્ક સમસ્યા બાબતે રજૂઆત કરી હતી. જેમાં માર્ચ મહિના સુધીમાં નેટવર્ક ચાલુ કરવા બાબતે જણાવ્યુ હતુ, પરંતુ આજદિન સુધી નેટવર્ક ચાલુ થયુ નથી. આ ઉપરાંત આગેવાનો તેમજ ગ્રામજનો દ્વારા અવારનવાર તંત્રને પણ નેટવર્ક બાબતે રજૂઆત કરવામાં આવે છે, પરંતુ સમસ્યાનું નિરાકરણ આવતું નથી.
આ પણ વાંચોઃ સોમનાથમાં ગત 48 કલાકથી BSNL નેટવર્ક થયું ઠપ્પ
આવનારી ચૂંટણીઓનો બહિષ્કાર થશેઃ સુરેશ ચૌધરી
આહવા તાલુકા પંચાયતના સભ્ય અને દંડક સુરેશ ચૌધરીએ ડાંગ કલેક્ટર એન.કે.ડામોર સહિત અધિક કલેક્ટર ટી.કે.ડામોરને આવેદનપત્ર સુપ્રત કરી જણાવ્યુ હતું કે, જો તેમના વિસ્તારમાં નેટવર્ક સમસ્યા હલ કરવામાં નહીં આવે તો આ વિસ્તારનાં ગ્રામજનો આવનારા સમયમાં સ્થાનિક કક્ષાની તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરશે.