- ડાંગમાં કોંગ્રેસના 8 સભ્યોને કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરવા માટે અરજી કરાઈ
- ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખે લેખિતમાં અરજી આપી
- કોંગ્રેસના સભ્યો ભાજપમાં જોડાતા સસ્પેન્ડ કરવા માટે અરજી કરાઈ
ડાંગઃ જિલ્લામાં વિધાનસભાની પેટા ચૂંટણી પહેલાં કોંગ્રેસનાં કદાવર નેતા મંગળ ગાવીતે અચાનક રાજીનામુ આપી દેતા ડાંગ જિલ્લાનાં રાજકારણમાં ભૂકંપ સર્જાયો હતો. જે બાદ કૉંગ્રેસી ધારાસભ્ય મંગળ ગાવીતે કેસરિયો ધારણ કરી લીધો હતો. જેની અસર અન્ય કોંગ્રેસ પક્ષનાં કાર્યકર્તાઓ ઉપર થતાં પેટા ચૂંટણીમાં તેઓ નિષ્ક્રિય થયા હતા. જિલ્લાનાં મંગળ ગાવીતનાં ખાસ મનાતા એવા ચંદર ગાવીતને વિધાનસભાની પેટા ચુંટણીમાં કૉંગ્રેસનાં પ્રભારી ગૌરવ પંડયા અને અજય ગામીતની આડોડાયને પગલે ટિકિટ ન મળતા ચંદર ગાવીત અને અન્ય કૉંગ્રેસી કાર્યકર્તાઓ નિષ્ક્રિય બન્યા હતા. જે બાદ કોંગ્રેસ પક્ષની પ્રથમ વખત જિલ્લામાં ઐતિહાસિક કારમી હાર થઈ હતી.
ડાંગ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લેવલે રજુઆત કરવામાં આવી
ધારાસભ્યની ટિકિટ ન મળતા નારાજ થનારા કોંગ્રેસ પક્ષનાં ભામાસા અને ચાણક્ય ગણાતા ચંદર ગાવીતે હાલમાં જ કેસરિયો ધારણ કરી લીધો હતો. વિધાનસભાની પેટા ચૂંટણી બાદ ચંદર ગાવીત અને સુબિર વિસ્તારનાં કોંગ્રેસનાં પીઢ નેતા ગણાતા બાબુ બાગુલ સહિત અન્ય જિલ્લા તાલુકા સદસ્યો, સરપંચ અને સભ્યોએ કેસરિયો ધારણ કરી લેતા ડાંગ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ મોતીલાલ ચૌધરી દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લેવલે રજુઆત કરવામાં આવી હતી
કોંગ્રેસ પક્ષમાંથી હકાલપટ્ટી કરી કાયમ માટે સસ્પેન્ડ કરવાની માંગણી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને રજુઆત કરી છે. હાલમાં ડાંગ જિલ્લા કૉગ્રેસ સમિતિ દ્વારા બાગી સભ્યો દ્વારા કેસરિયો ધારણ કરેલા જિલ્લા તાલુકાનાં સદસ્યો અને સરપંચોનું લિસ્ટ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મોકલાવવામાં આવ્યુ છે. ડાંગ કોંગ્રેસ પ્રમુખ દ્વારા કુલ 8 સદસ્યોને કોંગ્રેસ પક્ષમાંથી હકાલપટ્ટી કરી કાયમ માટે સસ્પેન્ડ કરવાની માંગણી કરતા જિલ્લાનાં રાજકારણમાં હડકંપ મચ્યો છે.