આહવાઃ રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લો કોરોના મુક્ત બનતાં ડાંગ જિલ્લા કલેક્ટર એન.કે.ડામોરે આજરોજ જિલ્લાને ગ્રીન ઝોન જિલ્લો તરીકે જાહેર કર્યો હતો. ડાંગ જિલ્લામાં ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેઓની સારવાર બાદ આ ત્રણેય પોઝિટિવ કેસ રિકવર થઈ સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી હતી અને છેલ્લા 28 દિવસમાં જિલ્લામાં એકપણ કેસ સામે ન આવતા ડાંગ જિલ્લાને ગ્રીન ઝોન જિલ્લો તરીકે જાહેર કર્યો છે.
ગુજરાત રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લો કોરોના મુક્ત બનતા ડાંગ જિલ્લા કલેક્ટર એન.કે.ડામોર દ્વારા આજે જિલ્લાને ગ્રીન ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ પહેલા જિલ્લામાં ત્રણ કોરોના પોઝિટિવ કેસો સામે આવતા ડાંગને ઓરેન્જ ઝોન તરીકે જાહેર કરાયો હતો. 23/04/2020નાં રોજ સુબિર તાલુકાની લહાનઝાડદર ગામની યુવતીનો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. જે બાદ 27/04/202નાં રોજ વઘઇ તાલુકાનાં ભેંડમાળ ગામની યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ 29/04/2020ના રોજ આહવાનાં સ્વરાજ આશ્રમ ખાતે રહેતી યુવતીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.
આ ત્રણેય યુવતીઓની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસતાં તેઓ સુરતથી આવેલ નર્સ જણાઈ હતી. જે બાદ ડાંગનાં આ ત્રણે તાલુકાઓમાંથી આવેલ આ કેસોનાં રહેણાંક વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં લોકોની અવર જવર ઉપર સખત પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જે બાદ 28-05-2020 સુધી જિલ્લામાં એકપણ કેસ સામે આવ્યા ન હતો તથા ડાંગ વહીવટી તંત્રની સફળ કામગીરીનાં કારણે જિલ્લામાં કોરોનાનું સંક્રમણ પણ ન વધતા જિલ્લો કોરોનામુક્ત બની ગયો છે. તેમજ ડાંગ જિલ્લાનું જનજીવન પણ લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરતા હોય આ જિલ્લાવાસીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં હતા.
ડાંગ જિલ્લામાં નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસોનો સારવાર દરમિયાન તમામ રિપોર્ટ નેગેટિવ આવતા તેઓને રજા આપવામાં આવી હતી. તેમજ રજા આપ્યાં બાદ આ દર્દીઓને 7 દિવસ માટે હોમ કોરેન્ટાઇન કરાયા હતા. 11/05/2020થી 28-05-2020 સુધી ડાંગ જિલ્લામાં એકપણ કોરોના પોઝિટિવ કેસ સામે આવેલ નથી. જેને ધ્યાને લેતા જિલ્લા કલેક્ટર એન.કે. ડામોર દ્વારા આજરોજ ડાંગ જિલ્લાને ગ્રીન ઝોન જાહેર કરતાં સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
આ બાબતે ડાંગ કલેક્ટર એન.કે. ડામોરે જણાવ્યું હતું કે, જિલ્લામાં વહીવટી તંત્ર અને લોકોની સતર્કતા જાગૃતિનાં પગલે છેલ્લા કેટલાય દિવસોથી એક પણ કેસ સામે આવ્યો નથી. જેથી ડાંગ જિલ્લાનો ગ્રીન ઝોનમાં સમાવેશ થયો છે. આજ રોજ ડાંગ જિલ્લો ગ્રીન ઝોનમાં આવી જતા સારી બાબત કહી શકાય. ડાંગ જિલ્લો હંમેશા કોરોનામુક્ત રહે તે માટે જનજીવનને માસ્ક ફરજીયાત પહેરવા, સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવુ, તેમજ હાથ વારંવાર ધોવા માટે અનુરોધ કર્યો હતો.