ડાંગ: વૈશ્વિક મહામારી એવા કોરોના વાઇરસથી થોડા જ સમય પહેલા મુક્ત જાહેર કરાયેલા ડાંગ જિલ્લામાં નવા બે કોરોના પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લા વહીવટી તંત્ર દોડતુ થયુ છે. આ બંને મહિલાઓ આહવા તાલુકાની છે. આ મહિલાઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને આહવા કોવિડ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે.
આ સાથે જ ડાંગ જિલ્લો ફરીવાર ગ્રીન ઝોનમાંથી ઓરેંજ ઝોન તરફ ધકેલાયો છે. મહિલાઓ આહવા તાલુકાના ગામડાઓ હનવતચોંડ અને સુંદાની છે.
સુંદા ગામની 63 વર્ષીય વૃદ્ધા શાંતિબેન તુળશીયાભાઈ મહાકાળને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમનો આહવા સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેના સેમ્પલ સુરત મેડીકલ કોલેજ ખાતે મોકલવામાં આવ્યા હતા. ચકાસણી બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યુ હતુ. આ વૃધ્ધ મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાનું જાણવા મળ્યું છે.
આહવા તાલુકાના હનવતચોંડ ગામની 19 વર્ષીય યુવતીનો પણ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ યુવતી સગર્ભા હોવાથી તે ચેકઅપ કરાવવા માટે બે દિવસ અગાઉ આહવા સિવિલ હોસ્પિટલમાં ગઈ હતી. જે દરમિયાન તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
કોરોનામુક્ત બનેલા ડાંગ જિલ્લામાં 30 દિવસ બાદ બે નવા કેસ સામે આવતા જિલ્લા વહીવટી તંત્રની ટીમે આ મહિલાઓના ગામ નજીકનાં ત્રણ કીમીનાં વિસ્તારને બફરઝોન અને કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તાર જાહેર કરવાની તજવીજ હાથ ધરી હતી. તેમજ સંક્રમણ અટકાવવા અગમચેતી રૂપે બંને દર્દીઓના પરિવારજનોને કવોરેંટાઈન કરવાની તજવીજ હાથ ધરી હતી.