- ડાંગમાં દારૂની હેરાફેરી કરનારા 2 આરોપી ઝડપાયા
- વઘઈ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આરોપીને પકડ્યા
- બંને આરોપી પોલીસને જોઈને ભાગી ગયા હતા
- આરોપી પાસેથી તમાકુનો થેલો મળી આવ્યો
- પોલીસે તમાકુનો થેલો ચેક કરતા તેમાંથી દારૂ મળ્યો
ડાંગઃ આ અંગે મળતી વિગત અનુસાર, હાલમાં ડાંગ જિલ્લામાં વિધાનસભાની પેટાચૂંટણીની આચારસંહિતા હોવાથી જિલ્લામાં પ્રોહિબિટેડ ગુનાઓને અટકાવવા ડાંગ પોલીસ કામ કરી રહી છે. ડાંગ જિલ્લા પોલીસ વડા રવીરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પોલીસની ટીમ દરેક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરે છે. તેવામાં ગઈકાલે ડાંગ વઘઈ પોલીસની સ્ટેટિક સર્વેલન્સર ટીમ ઝાવડા ફોરેસ્ટ ટોલનાકા પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બે શખ્સ બાઇક ઉપર સવાર થઈ આવી રહ્યા હતા. આ બાઇક સવારો ફોરેસ્ટ નાકા ઉપર ઉભેલી પોલીસને જોઈને નાસી છૂટ્યા હતા. પોલીસની ટીમે પીછો કરતા આ શખ્સ પાસેથી તમાકુનો થેલો મળી આવ્યો હતો.
આરોપી પાસેથી તમાકુનો થેલો ચેક કરતા તેમાંથી દારૂ ઝડપાયો
અહીં એસએસટીની ટીમે તમાકુનો થેલો ચેક કરતા તેમાંથી ગેરકાયદેસર વગર પાસ પરમીટે ભારતીય બનાવટની દારૂની 80 બોટલ મળી હતી. જેની કિંમત રૂ. 4 તથા રૂ. 30 હજારની બાઇક કુલ રૂ. 34 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાલમાં વઘઈ પોલીસની એસએસટીની ટીમે દારૂની હેરાફેરી કરનારા આરોપી પ્રભાકર કાકડભાઈ વાડેકર (નાસિક) તથા વોન્ટેડ આરોપી હસમુખ સામે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.