ડાંગ: જિલ્લાનાં બારીપાડા ગામ ખાતે બુધવારે કોંગ્રેસ સમિતિના પ્રમુખ મોતીલાલ ચૌધરી, તથા વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં યુવક કોંગ્રેસનો યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદિવાસી યુવાઓએ ભાગ લીધો હતો.
યુવાઓ પોતાની સમસ્યા સમાજના આગેવાનો સામે રજૂ કરી શકે તથા સમાજના અગ્રણીઓ યુવાઓ સાથે સીધો સંવાદ બનાવી શકે તે હેતુ પૂર્વક આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ મોતીલાલ ચૌધરીએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજને ટકાવી રાખવા માટે યુવાઓએ જાગવું પડશે. આદિવાસીઓ વર્ષોથી પોતાની ભૂમિ પર રહેતાં આવ્યાં છે. જે જગ્યાઓ પર ફક્ત આદિવાસીઓનો હક છે.
આદિવાસી પ્રજામાં યુવા નેતા તરીકે પ્રખ્યાત યુવા આદિવાસી નેતા અનંત પટેલે જણાવ્યું હતું કે, યુવાઓ જાગૃત બની આગળ આવશે તો જ સમાજને આગળ લાવી શકશે. આદિવાસી સમાજના હક કોઈ છીનવી ન જાય તે માટે યુવાએ જાગૃત થવું પડશે. આ સાથે જ અનંત પટેલે ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ભાજપ સરકાર આદિવાસીઓના હક છીનવી રહી છે.
ભાજપ સરકારે બિન આદિવાસીઓ આદિવાસીના જાતિ પ્રમાણપત્ર આપીને સાચા આદિવાસીઓના હક છીનવી લીધા છે. જો સાચો વિકાસ કરવો હોય તો આદિવાસીઓને પોતાના મૂળભૂત હક આપીને પોતાની જમીન ઉપર હક આપવા જોઈએ.
આદિવાસી યુવાઓને નોકરી આપીને તેમને આત્મનિભર બનવવા માટેના સરકારનાં પ્રયાસો જરૂરી છે. યુવાનોમાં જોશ ઉમેરતાં અનંત પટેલે જણાવ્યું હતું કે, આદિવાસી યુવાનો દરેક મુશ્કેલીઓ સામે લડવા માટે કટિબદ્ધ છે તેઓ યુવાઓ સાથે હરહંમેશ સાથે છે. આ પ્રસંગે કોંગ્રેસના યુવા અગ્રણી સંતોષ ભુસાર, દિનેશ ભોયે, મહેન્દ્ર ગાવીત તેમજ યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.