ડાંગ: જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી જનરલ હોસ્પિટલ, આહવા ખાતે 42 વર્ષની મહિલાના પેટમાંથી 2.5 કિલોગ્રામ ગાંઠનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે.
પેટમાં સખત દુઃખાવાની ફરિયાદ સાથે દગુનિયા ગામના રમીલાબેન રમેશભાઇ ચૌધરી ખાનગી દવાખાનાઓમાં આંટાફેરા મારીને કંટાળી ગયા હતા. તેમના પેટમાં કાર્સિનોમાં ગાંઠ છે અને તે દુર કરવાનો ખર્ચ અંદાજીત 80 હજાર રૂપિયા થશે એમ ખાનગી હોસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું હતું.
ગરીબ પરિવારમાંથી આવતી મહિલાની વ્હારે આહવા જનરલ હોસ્પિટલના ડૉક્ટર્સની ટીમ આવી. આ મહિલાને સરકારી સુવિધા અને સાંત્વના આપી પેટની ગાંઠનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડી મહિલાને જીવનદાન આપ્યું હતું.
ગાયનેકોલોજીસ્ટ ડૉ.સાવન જોષીએ જણાવ્યું હતું કે, આ મહિલાને પેટમાં સતત દુઃખાવો થતા તેણીએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જ્યાં કાર્સિનોમાંની ગાંઠ હોવાનું જણાવી અંદાજીત 80 હજારનો ખર્ચ હોવાનું જણાવ્યું હતું. આવા સમયે ગરીબ પરિવારની આ મહિલા ખૂબ જ ચિંતિત હતી.
ત્યારબાદ તેના માટે એક નવી આશાનું કિરણ જનરલ હોસ્પિટલ આહવા બની. તેની સારવાર કરી 2.5 કિલોગ્રામની ગાંઠ દુર કરી મહિલાને જીવનદાન મળ્યું છે. સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર કરવામાં આવી હતી. ડૉક્ટર સાવન જોષીની ટીમ, મોહન બ્રધર અને સિસ્ટર ભાગ્યશ્રીએ ભારે જોખમ વચ્ચે ઓપરેશન સફળ બનાવ્યું હતું. આ ગરીબ પરિવારે સમગ્ર ટીમ અને જનરલ હોસ્પિટલ,આહવાનો આભાર વ્યક્ત કર્યો હતો.