ડાંગ :આહવા ખાતે "સાત પગલાં ખેડૂત કલ્યાણ" યોજનાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગણપતસિંહ વસાવાના હસ્તે "વિના મૂલ્યે છત્રી વિતરણ યોજના" તથા "સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ્સ સહાય" નું વિતરણ કરવામાં આવ્યું હતું. "સાત પગલાં ખેડૂત કલ્યાણ" યોજના અંતર્ગત ડાંગ જિલ્લાના કુલ 3986 લાભાર્થીઓને રૂ.373 લાખની સાધન સહાય અપવાની જાહેરાત કરવામાં આવી હતી.
રાજ્ય સ્તરે એકી સાથે 80 જેટલા કાર્યક્રમોનુ આયોજન કરીને વન, આદિજાતિ, અને મહિલા બાળ કલ્યાણ વિભાગના પ્રધાન ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીની સરકારે તેની ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતાનો પરિચય આપ્યો છે, તેમજ રાજ્ય અને દેશના ખેડૂતોનું હિત વર્તમાન રાજ્ય અને કેન્દ્ર સરકારના હૈયે છે. ખેતીપ્રધાન દેશના ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે કાર્યરત સરકારે ખેડૂત કલ્યાણના શ્રેણીબદ્ધ કાર્યક્રમો, અને યોજનાઓના અમલ સાથે ખેડૂતોને, અને ખેતીને સમૃદ્ધ કરવાનું કાર્ય કર્યું છે. તેમજ કૃષિ મહોત્સવ શરૂ કરીને સરકારે ગુજરાતનું ખેત ઉત્પાદન વધારવા સાથે ખેડૂતોની આવક પણ વધારી છે. વાવણીથી કાપણી અને વેચાણ સુધીની ખેડૂત કલ્યાણની અનેકવિધ યોજનાઓ અમલી બનાવીને સરકાર ખેડૂત અને ખેતીનું જતન, સંવર્ધન કરી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂત કલ્યાણના તમામ પાસાઓનો તલસ્પર્શી અભ્યાસ કરીને ખેડૂત કલ્યાણના અનેકવિધ કાર્યક્રમો અમલી બનાવ્યા છે. તેમણે ખેડૂતો, વંચિતો, અને ગરીબ વર્ગના કલ્યાણ માટે કાર્ય કરતી સરકારના હાથ મજબૂત કરવાની પણ આ વેળા અપીલ કરી હતી. તેમજ જિલ્લાના કાર્યક્રમમાં માજી ધારાસભ્ય વિજયભાઈ પટેલે આ પ્રાસંગિક ઉદબોધન કરી રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી હતી.
ડાંગ જિલ્લામાં યોજનાના શુભારંભ સમયે મહાનુભાવોના હસ્તે કાર્યક્રમના મુખ્ય સ્ટેજ ઉપરથી 16 લાભાર્થીઓને "વિના મૂલ્યે છત્રી" આપવાની યોજનાના લાભો એનાયત કરવા સાથે, બીજા 15 લાભાર્થીઓને "સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ" પુરા પાડવાની યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. આહવાના ડાંગ દરબાર હોલ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે યોજનાના લાભાર્થીઓને યોજનાના મંજૂરીપત્રો/હુકમોનું વિતરણ કરાયું હતું. રાજ્ય કક્ષાએથી આધુનિક ટેકનોલોજીના સમન્વયથી દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી CM વિજય રૂપાણીએ પ્રજાજોગ ઉદબોધન કરી લાભાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ખેડૂતોના રજિસ્ટ્રેશન સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમા મદદનીશ બાગાયત નિયામક તુષાર ગામીતે કાર્યક્રમનો ઉદ્દેશ સ્પષ્ટ કરી મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. મહાનુભાવોએ દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. "આત્મા" ના પ્રોજેકટ ડાયરેકટર પી.આર.માંડાણીએ પ્રાસંગિક ઉદબોધન રજૂ કર્યું હતું. રાજ્ય કક્ષાએથી પ્રસારિત યોજનાકીય ફિલ્મ સહિત રાજ્ય કક્ષાના કાર્યક્રમને પણ ઉપસ્થિત સૌએ નિહાળ્યો હતો. કાર્યક્રમના અંતે આભારવિધિ જિલ્લા ખેતીવાડી અધિકારી સુનિલ પટેલે કરી હતી. કાર્યક્રમ સ્થળે જિલ્લા આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા સૌ પ્રજાજનો માટે "અમૃતપેય" આયુર્વેદિક ઉકાળાનુ પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
"સાત પગલાં ખેડૂત કલ્યાણ" યોજના કાર્યક્રમ અંતર્ગત ફળ, ફૂલ, શાકભાજીના વેચાણકારોને વિનામુલ્યે છત્રી પુરી પાડવાની યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાયો હતો. આ યોજનાનો મુખ્ય હેતુ લારીમા રાખેલ ફળ, ફૂલ, શાકભાજી બગડી જવા સામે વેચાણકારોને રક્ષણ આપવાનો છે. રોડ સાઈડ પર ખુલ્લી જગ્યામાં ફળ, ફૂલ, શાકભાજી તથા નાશવંત કૃષિ પેદાશોનુ વેચાણ કરતા નાના વેચાણકારોને ગરમી, ઠંડી, અને વરસાદથી રક્ષણ મળે, તથા તેઓ છત્રીની ઓથ તળે છાયડામાં તેમનો વેપાર કરી શકે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે.
આ યોજનાનો લાભ લેવા માટે ફળ, ફૂલ, શાકભાજી સહિત નાશવંત કૃષિ પેદાશોનું વેચાણ કરતા કરનાર છૂટક વેચાણકારોને કુટુંબ દીઠ પુખ્ત વયની એક વ્યક્તિને વિના મૂલ્યે છત્રી આપવામાં આવે છે. રાજ્ય કક્ષાએ કુલ રૂ. 10 કરોડની નાણાકીય જોગવાઈ સાથે અંદાજે 66000 છૂટક વેચાણકારોને આ યોજનાનો લાભ પહોંચાડવાનો લક્ષ નિર્ધાર કરાયો છે.
આ ઉપરાંત ઓછી જમીન ધરાવતા રાજ્યના સીમાંત ખેડૂતો કે ગ્રામ્ય કક્ષાએ ખેતીના વ્યવસાયમાં ખેત મજૂરોની કાર્યક્ષમતા વધે, સમયસર ખેતી કરી થાય, અને ખેતીમાં ઉત્પાદન વધે તે માટે આધુનિક સાધનોવાળી સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ્સ આપવાની યોજનાનો પણ શુભારંભ કરાયો હતો. તેમજ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને કુલ ખર્ચના 90 % અથવા રૂ.10 હજાર બેમાંથી જે ઓછું હોય તે રકમની મર્યાદામા સહાય આપવામા આવે છે. રાજ્ય કક્ષાએ રૂ.22 કરોડની જોગવાઈ સાથે આ યોજના અમલી બનાવવામાં આવી છે.
ડાંગ જિલ્લામાં રૂ.10 લાખના ખર્ચે 733 લાભાર્થીઓને વિનામૂલ્યે છત્રી આપવાની યોજના સાથે, રૂ.4 લાખના ખર્ચે 44 લાભાર્થીઓને સ્માર્ટ હેન્ડ ટૂલ કીટની યોજનાનો લાભ આપવામા આવ્યો છે. જિલ્લાના ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે રાજ્યના ખેડુતોની જેમ ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે. "સાત પગલાં ખેડૂત કલ્યાણ" યોજના અંતર્ગત ડાંગ જિલ્લાના કુલ 3986 લાભાર્થીઓને રૂ.373 લાખની સાધન સહાય મળવાપાત્ર થાય છે.
ડાંગ દરબાર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરી, ગુજરાત આદિજાતિ વિકાસ નિગમના ડિરેકટર શ્રી બાબુરાવ ચોર્યા, આહવા તાલુકા પંચાયતના પ્રમુખ નરેશભાઈ ગવલી, વઘઇ તાલુકા પંચાયતના પ્રમુખ સંકેતભાઈ બંગાળ, વાસુરણાના રાજવી ધનરાજ સિંહ, આહવાના સરપંચ હરિરામ સાવંત, સામાજિક કાર્યકરો કિશોરભાઈ ગાવીત અને સુભાષભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમા કલેકટર એન.કે.ડામોર, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયા, પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષક દિનેશ રબારી, સુરતના નાયબ ખેતી નિયામક અરુણ ગરાસિયા સહિતના સંબંધિત અધિકારીઓ, અને માહિતી વિભાગની ટીમે ઉપસ્થિત રહી તેમની ભૂમિકા નિભાવી હતી.