ડાંગ જિલ્લાના શામગહાન રેંજનાં બોંડારમાળ ગામ નજીકનાં જંગલ વિસ્તારમાં આગ લાગી હતી. જિલ્લાનાં દક્ષિણ વિભાગનાં શામગહાન રેંજમાં સમાવિષ્ટ બોંડારમાળ ગામ નજીકનાં જંગલમાં બુધવારે બપોરે આગ લાગી હતો. અહી દવ (આગ) લાગ્યાનાં કલાકો બાદ પણ કોઇ વન કર્મીઓ ફરક્યા ન હતા. આગ લાગવાનાં કારણે જંગલ બળીને ખાખ થઇ ગયું હતું.
ડાંગ જિલ્લાનાં દક્ષિણ વિભાગનાં શામગહાન રેંજમાં સમાવિષ્ટ બોંડારમાળ ગામનાં જંગલમાં આગ લાગી હતી. કોઇક અસામાજિક તત્ત્વોએ આગ લગાડતા જંગલની પ્રાકૃતિક સંપત્તી બળીને ખાખ થઇ ગઇ હતી.
જંગલમાં આગ લાગ્યાનાં કલાકો બાદપણ આગ ઓલાવા માટે કોઇ વનકર્મીઓ ફરક્યા ન હતા. મહારાષ્ટ્ર બોર્ડરને નજીક આવેલા ડાંગનાં બોંડારમાળ ગામનાં જંગલમાં આગ લાગવાની આ કોઇ નવી ઘટના નથી. છેલ્લા કેટલાય વર્ષોથી અસામાજીક તત્વો કે શિકારીઓ દ્વારા જંગલને આગ ચાંપવામાં આવે છે. જ્યારે અહીં મહારાષ્ટ્ર બોર્ડર નજીક હોવાથી મહારાષ્ટ્ર રાજ્યનાં લોકો મોટી સંખ્યામાં જંગલનાં કિમતી વૃક્ષોનું નિકંદન કરે છે અને સાથે આગ પણ લગાડતા હોય છે.
આ બાબતે શામગહાન રેંજના RFO પ્રસાદ પાટીલ ધ્યાન આપે તે જરૂરી બન્યું છે. ગત બે મહિનાથી લગભગ 4થી 5 વાર આ જંગલમાં આગ લાગવાની ઘટના બની રહી છે. લોકડાઉનમાં જંગલ બચાવવા અને સતર્કતામાં ડાંગનાં સરહદીય વિસ્તારમાં મહારાષ્ટ્રનાં લોકો પ્રવેશે નહી તે માટે કોઇ વનકર્મીઓ બોર્ડર પર જોવા મળતા નથી. ત્યારે પ્રકૃતી પ્રેમીઓની માગ છે કે જંગલને બચાવવામાં આવે અને આગ લગાડનારા અસામાજિક તત્વો પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં ઉનાળાની ઋતુ ચાલુ હોવાથી ડાંગનાં જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવે છે. આધારભુત સૂત્રોનાં જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લામાં વર્ષ દહાડે અનેક જગ્યાએ વારંવાર આગ લાગવાની ઘટનાઓ બને છે.
આ સાથે જ ડાંગી જનજીવન પણ જમીન સાફ સફાઇ માટે પોતાના ખેતરમાં ઝાડના પત્તાઓ એકઠા કરી આદર બાળતા હોય છે. જેના કારણે પણ આગ લાગવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે જોવાનુંએ રહ્યું કે જંગલમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતા ફોરેસ્ટ વિભાગ દ્વારા યોગ્ય પગલાઓ લેવામાં આવતા નથી.