ડાંગ: ડાંગ જિલ્લાના ચીચીનાગાંવઠા રેંજ વિસ્તારમા આવેલા નડગખાદી ગામે 10 નવેમ્બરે શૌચક્રિયા કરવા માટે ઘરની બહાર નીકળેલા એક વૃદ્ધ પર દીપડાએ હુમલો કર્યો હતો, આ ઘટનામાં વૃદ્ધનું મોત થયું હતું. જેના પગલે વનવિભાગના અધિકારીઓ સહિત જિલ્લા કલેક્ટર પણ દોડતા થયાં હતાં અને દીપડાને પાંજરે પુરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. વનવિભાગે આ વિસ્તારમાં ત્રણ પાંજરા ગોઠવ્યા હતાં જેમાં આ માનવભક્ષી દીપડો પુરાઈ ગયો હતો અને વનવિભાગની ટીમ દ્વારા તેને અન્ય સુરક્ષીત સ્થળ પર લઈ જવામાં આવ્યો છે. દીપડો પાંજરે પુરાતા સ્થાનિક લોકોની સાથે વનવિભાગના કર્મચારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે. મહત્વપૂર્ણ છે કે, જિલ્લાના પ્રકૃતિ પ્રેમી આદિવાસી પ્રજાજનો દ્વારા પાંજરે પુરાયેલા દિપડાની વિધિવત પરંપરાગત મુજબ કંકુ અગરબત્તીથી પુજા અર્ચના કરવામાં આવી હતી.
વન વિભાગનું સુચનઃ દીપડા દ્વારા હુમલાની ઘટનાને પગલે ડાંગ જિલ્લાની તમામ ફોરેસ્ટ રેંજમા વન વિભાગ દ્વારા રાત્રી સભા યોજવામાં આવી હતી, જેમાં ગ્રામજનો સાથે સંવાદ યોજવામાં આવ્યો હતો. જેમા દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક પ્રસાદ રવિ રાધાક્રિષ્ણએ લોકોને માર્ગદર્શન આપ્યું હતું. તેમને જણાવ્યું હતું કે, મોટાભાગે દીપડા દ્વારા માનવ પર હુમલાઓ રાત્રી અથવા વહેલી સવારે અંધારાના સમયમા બને છે. જેથી આવા સમયે પોતાની પાસે બેટરી, ટોર્ચ લઇ બહાર જવા માટે લોકોને સુચનો કર્યા હતાં. સાથે જ બને ત્યાં સુધી ત્રણથી વઘુ વ્યક્તીઓએ સાથે બહાર નિકળવુ જોઈએ. દીપડો હંમેશા પોતાનાથી ઉંચાઇમા નાના દેખાતા પ્રાણીઓ પર હુમલા કરે છે.
સાવધાની રાખવી જરૂરીઃ ડાંગ જિલ્લામા નવયુવાનો રાત્રી દરમિયાન રોડની સાઇડમા બેસી મોબાઇલનો ઉપયોગ કરતા હોય છે. આવા સમયે પણ દીપડાનો હુમલો થવાની સંભાવનાઓ છે. કારણ વગર યુવાનો રાત્રી દરમિયાન બહાર ન નિકળે તેની વડીલોએ ખાસ નોંધ લેવી જોઈએ. વનપ્રાણી અંગે કોઇ પણ માહિતી મળે તો તાત્કાલીક ગામના સરપંચ તથા જે તે વિસ્તારની ગામ નજીક આવતા બિટગાર્ડનો સંપર્ક કરવા મદદનીશ વન સંરક્ષક આરતી ડામોરે જણાવ્યુ હતું.