- હનવતચોન્ડ ગામે 14 વર્ષીય બાળક ઉપર દિપડાનો હુમલો
- વન વિભાગની ટીમે જંગલમાં પાંજરું ગોઠવ્યું
- ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો
ડાંગ: જિલ્લાનાં દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ ચિચીનાગાવઠા રેંજમાં લાગુ પડતા હનવતચોંડ ગામે રહેતા કાંતિલાલભાઈનાં 2 દીકરાઓ ગત 23મી માર્ચનાં રોજ ઘરની બાજુમાંથી રમતા રમતા માલિકીની જમીનમાં આવેલ શેરડી અને તુવેરનાં ખેતરમાં નીકળી ગયા હતા. આ દરમિયાન શિકારની શોધમાં ભટકી રહેલા ખૂંખાર દીપડાએ પીયૂષભાઈ કાંતિલાલ ઉ.14 ઉપર અચાનક હુમલો કર્યો હતો. દીપડાએ સગીરના મોઢા પર તેમજ પેટના ભાગે નખ મારતા બૂમરાણ મચાવી મૂકી હતી. બૂમો સાંભળીને દીપડો જંગલ તરફ નાસી ગયો હતો.
વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી
પરિવારજનોએ ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. બનાવની જાણ દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ. નિલેશભાઈ પંડ્યા તથા ચિચીનાગાવઠા રેંજનાં આર.એફ.ઓ ગણેશભાઈ ભોયેને થતા તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે ઇજાગ્રસ્ત બાળકની મુલાકાત લઈને સંવેદના દાખવી હતી. દીપડાનાં હુમલા બાદ હનવતચોંડ ગામનાં ગ્રામજનોમાં ભય ફેલાયેલો હોઈ વન વિભાગ દ્વારા રાત્રી દરમિયાન દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરૂ ગોઠવીને વધુ તજવીજ હાથ ધરી છે.