કલેક્ટર એન.કે.ડામોરે આર્થિક ગણતરી અંગેની બેઠકમાં જણાવ્યું હતું કે, મોજણી દરમિયાન જિલ્લા આંકડા અધિકારી દ્વારા સંપૂર્ણ મોનિટરીંગ કરવાનું રહેશે. જિલ્લામાં માઈક્રો પ્લાનિંગ કરી હાલમાં કેટલા સેન્ટર કાર્યરત કરાયા છે. તેમજ તમામ સ્ટાફને પુરતી તાલીમ આપવામાં આવી છે કે કેમ? ભારત સરકારના આંકડાશાસ્ર તેમજ આયોજન અમલીકરણ મંત્રાલયના નેજા હેઠળ શરૂ થયેલી આર્થિક ગણતરી સમયમર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે. સરકાર દ્વારા થનાર ખર્ચ અંગે ખૂબ જ તકેદારી રાખી સાચી માહિતી મળી રહે તે માટે દર અઠવાડિયે રીપોર્ટીંગ કરવાનું રહેશે.
જિલ્લા આંકડા અધિકારી એ.સી.પટેલે સરકારનો હેતુ સમજાવતા જણાવ્યું હતું કે, ભારત સરકારના આંકડાશાસ્ત્ર અને આયોજન મંત્રાલય દ્વારા 1977થી શરૂ કરીને અત્યાર સુધી 6 આર્થિક ગણતરીઓ પૂર્ણ કરવામાં આવી છે. જેમાં મોટા ઉઘોગો, નાના લઘુ ઉઘોગો તેમજ આર્થિક યોજનાનો સમાવેશ થાય છે. પરિણામે ભવિષ્યમાં નીતિ ઘડવા માટે ગ્રામ્ય કક્ષા, તાલુકા કક્ષા, જિલ્લા અને રાજ્ય તેમજ દેશના વિકાસમાં માહિતી ઉપયોગી થઇ શકે છે.
CSC ડિસ્ટ્રીક્ટ મેનેજર સુમિત ચૌધરીએ કહ્યું હતું કે, પહેલી વખત ઓનલાઈન મોબાઈલ એપ્લિકેશનથી દરેક કુટુંબની મુલાકાત લઇ તમામ માહિતી એકત્રિત કરવામાં આવશે. આ કામગીરી મોબાઈલ એપથી ઓફલાઈન પણ કરી શકાશે. જિલ્લામાં કુલ 65 સેન્ટરો પર કામગીરી શરૂ કરવામાં આવી છે. કુલ 204 ઓપરેટરોને તાલીમ આપી સુસજ્જ કરાયા છે. આ કામગીરીનું ઓડિટ પણ નિયમાનુસાર કરવામાં આવશે. જેના માટે પ્રદીપકુમાર અને સુષાંત કનોજીઆની નિમણૂંક કરવામાં આવી છે.