ડાંગ: જિલ્લા સહિત ઉપરવાસનાં કેચમેન્ટ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પડતા સતત છઠ્ઠા દિવસે 6 જેટલા નીચાણવાળા કોઝવે પાણીમાં ગરક રહેતા 6 જેટલા ગામોનાં માર્ગો બંધ થવાની સાથે અવરોધાયા હતા.
ગુજરાતનાં ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં ઋતુચક્રની ચોમાસાની ઋતુ અસલ મિજાજમાં આવી વિધિવત બનતા સર્વત્ર પંથકોમાં પાણી પાણીની રેલમછેલમ ફરી વળી છે. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં હાલમાં બીજા સપ્તાહમાં પણ વરસાદી બેટીંગ યથાવત રહેતા જિલ્લાની અંબિકા, ખાપરી પૂર્ણા અને ગીરા નદીઓ પાણીની આવક સાથે બન્ને કાંઠે વહેતી જોવા મળી રહી છે.
સાથે જંગલ વિસ્તારમાં આવેલા જળધોધ પણ હાલમાં આકર્ષક મૂડમાં નીચે ખાબકી રહ્યા છે. ડાંગ જિલ્લા સહિત ઉપરવાસનાં કેચમેન્ટ વિસ્તારમાં ગુરુવારે રાત્રી દરમિયાન ભારે વરસાદ પડતા શુક્રવારે જિલ્લાના 6 જેટલા નીચાણવાળા કોઝવે સતત છઠ્ઠા દિવસે પણ પાણીમાં ગરકાવ રહેતા 6 જેટલા ગામડાઓનું જનજીવન પ્રભાવિત થયુ હતુ તથા આ કોઝવેને જોડતા માર્ગોને જિલ્લા પ્રશાંસન દ્વારા યાતાયાત માટે બંધ કર્યા હતા.
જેની સામે રાહદારીઓ અને વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો હતો. શુક્રવારે સતત છઠ્ઠા દિવસે વઘઇ તાલુકાનાં (1) નાનાપાડા-કુમારબંધ કોઝવે (2)સુપદહાડ-સૂર્યાબરડા કોઝવે (3) કુડકસ-કોશીમપાતળ કોઝવે (4)ખાતળ ફાટક ઘોડી કોઝવે અને (5) ઢાઢરા વી.એ.કોઝવે તથા આહવા તાલુકામાં (1) સતી-વાંગણ-કુતરનાચીયા કોઝવે ઊંડા પાણીમાં ગરક રહ્યા હતા.
શુક્રવારે દિવસ દરમિયાન સાપુતારા અને સુબીર પંથકમાં હળવો વરસાદ નોંધાયો હતો. જ્યારે વઘઇ અને આહવા તાલુકાના ગામડાઓમાં મધ્યમ વરસાદ નોંધાયો હતો. ડાંગ ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા મુજબ ડાંગ જિલ્લામાં ગુરુવારે સાંજે 6 વાગ્યાથી શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધીનાં 24 કલાક દરમિયાન સુબીર પંથકમાં 11 મિમી, સાપુતારા પંથકમાં 15 મિમી, આહવા પંથકમાં 29 મિમી અર્થાત 1.16 ઈંચ, જ્યારે વઘઇ પંથકમાં સૌથી વધુ 45 મિમી અર્થાત 1.8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.