- ચૂંટણી પ્રાંત અધિકારીએ ઉમેદવારોને ચૂંટણી ખર્ચના હિસાબો રજૂ કરવા જણાવ્યું
- નિરિક્ષણ બાદ ઉમેદવારોના દૈનિક હિસાબ કરાશે જાહેર
- ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ 30.80 લાખની મર્યાદામા ખર્ચ કરવાનો રહશે
ડાંગઃ ગુજરાત વિધાનસભાના મતવિભાગોની પેટા ચૂંટણી અંતર્ગત 173-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગનું મતદાન આગામી તારીખ 3/11/2020ના રોજ યોજાવાનું છે. ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ કે, તેમના અધિકૃત પ્રતિનિધિએ ત્રણ વાર ચૂંટણી ખર્ચના હિસાબો સક્ષમ સત્તાધિકારી સમક્ષ રજૂ કરવાના રહે છે. આ અંગે સંબંધિત ઉમેદવારોને ચૂંટણી ખર્ચના રજીસ્ટર, તેમજ ખર્ચ સંબંધિત આનુષંગિક વાઉચરો સાથે ખર્ચની વિગતો રજૂ કરવા જણાવાયુ છે.
નિરિક્ષણની તારીખ
તદ્દઅનુસાર ડાંગ જિલ્લામાં પ્રથમ નિરિક્ષણની તારીખ 21/22 ઓકટોબર બાદ, દ્વિતીય નિરિક્ષણની તારીખ 26/27 ઓક્ટોબર, અને તૃતીય નિરિક્ષણની તારીખ 1/2 નવેમ્બરના રોજ સવારના 11 વાગ્યાથી નિયત કરવામા આવી છે. નિરિક્ષણની આ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ નાગરિક ઉપસ્થિત રહીને આ પ્રક્રિયા નિહાળી શકશે.
ઉમેદવારોના દૈનિક હિસાબ કરાશે જાહેર
નિરિક્ષણ પછી ઉમેદવારોના દૈનિક હિસાબના રજીસ્ટરના ઉતારા મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ ઉપર અપલોડ કરવામા આવશે. તથા તે જિલ્લા ચૂંટણી અધિકારી અને ચૂંટણી અધિકારીના નોટિસ બોર્ડ ઉપર પણ પ્રસિદ્ધ કરવામા આવશે. એમ 174-ડાંગ (અ.જ.જા) વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી-વ-પ્રાંત અધિકારી કાજલ ગામીતે જણાવ્યું છે.
30.80 લાખની મર્યાદામા ખર્ચ કરી શકાશે
ઉલ્લેખનીય છે કે, આ પેટા ચૂંટણી અંતર્ગત વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી લડતા ઉમેદવારોએ ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ રૂપિયા 30.80 લાખની મર્યાદામા ખર્ચ કરવાનો રહે છે.