- ડાંગ જિલ્લામાં રસીકરણ શરૂ કરાયું
- સાપુતારા અને વઘઇ ખાતે 45થી વધુ વયનાનું રસીકરણ કરાયું
- 158 લોકોને રસી આપવામાં આવી
ડાંગ: રાજ્યભરમાં ચાલી રહેલા ઘનિષ્ટ રસીકરણ અભિયાનમાં પ્રથમ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ, ત્યારબાદ 60 પ્લસ વડીલો અને 45 પલ્સ અન્ય બિમારી ધરાવતા નાગરીકો અને હવે 1લી એપ્રિલથી 45થી વધુ વય ધરાવતા તમામ નાગરિકોને વિનામૂલ્યે રોગપ્રતિકારક શક્તિ વધારતી કોરોના વેક્સિન આપવાનું આયોજન હાથ ધરાયુ છે.
આ પણ વાંચો : ખેડામાં પુખ્ત વયના નાગરિકો માટે કોરોના રસીકરણનો થયો પ્રારંભ
સાપુતારા ખાતે હોટેલ સ્ટાફનું રસીકરણ
ડાંગ જિલ્લામાં આજે રવિવારે ગિરિમથક સાપુતારાનાં હોટલનાં 45થી વધુની આયુ ધરાવતા સ્ટાફને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો. આ સાથે જ ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇ ખાતે રાષ્ટ્રીય સ્વયંમ સેવક સેવા વિભાગ દ્વારા તેમજ સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર તેમજ સાંઈ મિત્ર મંડળ અને વેપારી અગ્રણીઓનાં સહયોગથી APMC માર્કેટમાં 45થી વધુ આયુ ધરાવતા 158 નાગરિકોને કોરોનાનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : બારડોલીમાં કોરોના રસીકરણ કેમ્પ યોજાયો
લોકો ભયમુક્ત બની રસીકરણ કરી રહ્યાં છે
વઘઇનાં નાગરિકોની રસીકરણ માટેની પહેલ જોતા કોરોના વેક્સિનને લઈને લોકોમાં ફેલાયેલો ભય માત્ર ભ્રમણા સાબિત થયો હતો. ડાંગ જિલ્લાનાં સાપુતારા સહિત વઘઇ નગરમાં યોજાયેલા રસીકરણનાં કાર્યક્રમમાં નાગરીકોએ ભય વગર વેક્સિનનો ડોઝ લઈને આરોગ્ય તંત્ર અને સહયોગકર્તા સેવાભાવી સ્વયંમ સેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો.