દમણ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ખરડપાડા ગામના યુવાનની હત્યાને પારિવારિક ઝઘડામાં ખપાવવાની કોશિશનો પોલીસે 24 કલાકમાં જ પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં યુવકની હત્યા તેની પત્નીએ પ્રેમી સાથે મળી ગળું દબાવી કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં બંનેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
પત્નીએ પતિની હત્યા કરી : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ખરડપાડાના સુનિલ ભગવાનદાસ ભંડારીને સેલવાસ સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમની કાર્યવાહી માટે સેલવાસ પોલીસને જાણકારી આપી હતી. સેલવાસ પોલીસે મૃતક યુવક અંગેની પૂછપરછ તેમના પરિવારજનોને કરી હતી. તેઓએ જણાવ્યું કે, યુવકનો પરિવાર સાથે કોઈક કારણોસર ઝઘડો થયો હતો. ત્યારબાદ અચાનક બેહોશ થઈ જતાં પરિવારના સભ્યો સારવાર માટે સેલવાસ સિવિલમાં લાવ્યા હોવાની કેફિયત રજૂ કરી હતી.
પ્રેમ પ્રકરણમાં હત્યા : જોકે, યુવકનું પોસ્ટમોર્ટમ કરતા પ્રાથમિક રિપોર્ટમાં એમનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી સેલવાસ પોલીસના PSI પ્રદીપ રાજગોરને તપાસ સોંપી હતી. તપાસમાં ઘરના સભ્યો અને મૃતકની પત્નીની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, ઘર નજીક જ રહેતા સન્ની ભરત ભંડારીની સાથે મહિલાનું પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું. જે અંગે મૃતક સુનિલને જાણ થતા એમના વચ્ચે ઝઘડો થયો હતો. જેના કારણે મહિલા અને તેના પ્રેમી સન્નીએ મળી સુનિલનું મોઢું અને ગળું દબાવી એની હત્યા કરી દીધી હોવાની કેફિયત રજૂ કરી હતી.
24 કલાકમાં આરોપી ઝડપાયા : સવારે જ્યારે એમના પરિવારના સભ્યોએ સુનિલને બેશુદ્ધ હાલતમાં જોતા સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનામાં સેલવાસ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી હતી. તેઓને કોર્ટમાં રજૂ કરતા 2 સપ્ટેમ્બર સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
ગળું દબાવી હત્યા કરી : ઘટના અંગે સેલવાસ પોલીસે અખબારી યાદી બહાર પાડી જણાવ્યું હતું કે, 29/08/2023 ની વહેલી સવારે સિવિલ હોસ્પિટલ તરફથી MLC કોલ આવ્યો હતો. સુનિલ ભગવાનદાસ ભંડારી નામના દર્દીને તબીબે મૃત જાહેર કર્યા હતા. પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું. ફરજ પરના ડોક્ટરે અભિપ્રાય આપ્યો હતો કે, વ્યક્તિનું મૃત્યુ ગળું દબાવવાને કારણે થયું છે.
પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો : મૃતકના ચહેરા, ગરદન અને પેટ પર બાહ્ય ઇજાઓ પણ જોવા મળી હતી. તેથી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ ટીમે મૃતકની પત્ની અને અન્ય પરિવારના સભ્યો તેમજ પડોશીઓની પૂછપરછ કરી હતી. સતત પૂછપરછ બાદ મહિલાએ સન્નીકુમાર ભરતભાઈ ભંડારી સાથે મળીને ગુનો કર્યાની કબૂલાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, મૃતકની પત્નીએ કબૂલાત કરી હતી કે, તેણે 8 થી 9 મહિના પહેલા સન્નીકુમાર સાથે મિત્રતા કરી હતી. 29-08-2023 ના રોજ વહેલી સવારે સન્નીકુમાર તેના ઘરે આવ્યો હતો. જ્યારે તેના પતિએ તેઓને ઘરની અંદર જોયા હતા. તેમની વચ્ચે ઝપાઝપી થઈ હતી. જે દરમિયાન તેણે પ્રેમી સન્નીની મદદથી પતિ સુનીલનું ગળું દબાવીને હત્યા કરી હતી.
(પ્રેસનોટ આધારિત અહેવાલ)