- કોરોના બાદ મ્યુકરમાઇકોસિસના કેસ વધ્યા
- ડાયાબીટીસની બીમારી ધરાવતા પેશન્ટમાં વધુ જોવા મળે છે
- સારવાર છે મોંઘી
દમણ: કોરોના રિકવર દર્દીઓ માટે વધુ એક બીમારી જીવલેણ બની રહી છે. આ બીમારી એટલે મ્યુકરમાઇકોસિસ. આ બીમારીને કારણે ગુજરાતમાં ઘણા દર્દીઓએ આંખો ગુમાવવાની નોબત આવી છે. સંઘપ્રદેશ દમણમાં હજુ સુધી તેના કેસ સામે આવ્યાં નથી. પરંતુ આ બીમારી થવા પાછળના કારણો અને તેની સારવાર અંગે દમણના જાણીતા તબીબ ડૉ. મયુર મોડાસિયાએ મહત્વપૂર્ણ વિગતો આપી હતી.
આ પણ વાંચોઃ કોરોનાના દર્દીઓમાં જોવા મળતું મ્યુકરમાઈકોસિસનું સંક્રમણ જીવલેણ હોઈ શકે, કેન્દ્ર સરકારે જાહેર કર્યું પરામર્શ
શું છે મ્યુકરમાઇકોસિસ?
મ્યુકરમાઇકોસિસ એક પ્રકારનું ફંગલ ઈન્ફેક્શન છે, જેને બ્લેક ફંગસ પણ કહેવાય છે. શ્વાસ અથવા ચામડીના ઘા મારફતે ફૂગ શરીરમાં પ્રવેશ કરે છે. તેનું ઈન્ફેક્શન સ્કિન, ફેફસાં અને મગજમાં થઈ શકે છે. આ બીમારીમાં કેટલાક દર્દીઓની આંખોની રોશની જતી રહે છે. કેટલાક દર્દીઓના જડબા અને નાકના હાડકાં ખવાઈ જાય છે. જે અંગે દમણના જાણીતા ફિઝિશિયન ડૉ. મયુર મોડાસિયાએ જણાવ્યું હતું કે આ બીમારી જૂની છે. હાલમાં કોવિડમાંથી સાજા થયેલા ડાયાબીટીસ પેશન્ટમાં તે વધુ જોવા મળે છે.
જે દર્દીને ડાયાબીટીસ હોય અને તે કોરોનાની ઝપેટે આવ્યા બાદ તેને વેન્ટિલેટર પર સારવાર આપી હોય, વધુ પડતું સ્ટીરોઇડ આપ્યું હોય અથવા જરૂર ના હોવા છતાં આપ્યું હોય તેવા દર્દીને કોરોના સારવારમાં સાજા થયા બાદ મ્યુકરમાઇકોસિસ થવાના ચાન્સ વધુ હોય છેઃ ડૉ. મયુર મોડાસિયા, ફિઝિશિયન
મ્યુકરમાઇકોસિસના દર્દીઓનું પ્રમાણ દમણમાં હજુ સુધી નોંધાયું નથી. આ કોઈ ચેપી રોગ નથી પરંતુ આ રોગ એક વખત થઈ ગયા બાદ તેની સારવાર ખૂબ લાંબી ચાલે છે. આમ છતાં દર્દીના ઠીક થવાની સંભાવના પણ ઘણી ઘટી જાય છે. એમ્ફોટેરિસીન-બી ઈન્જેક્શન આ રોગની મુખ્ય સારવાર છે. દર્દીના વજન મુજબ પ્રતિ કિલો 5mg ડ્રગ આપવું પડે છે. જો કે, આ ઈન્જેક્શનની શોર્ટેજને કારણે ડૉક્ટર એન્ટી ફંગલ ટેબ્લેટ્સ અને લિપિડ ઈમ્યુલ્ઝન પણ આપતા હોય છેઃ ડૉ. મયુર મોડાસિયા, ફિઝિશિયન
5થી 35 લાખ સુધી મોંઘી સારવાર છે
મોટા ભાગના કેસમાં એક કરતાં વધુ ડૉક્ટરની જરૂર પડે છે જેમ કે, ઈન્ફેક્શન ડિસિઝ એક્સપર્ટ, ENT સર્જન, મેક્સિલોફેસિયલ સર્જન, ઓપ્થેલ્મોલોજિસ્ટ અને ન્યૂરોલોજિસ્ટ. વળી સારવાર લાંબી ચાલતી હોવાથી રૂપિયા 5 લાખથી 30 લાખ સુધીનો ખર્ચ થાય છે. જેથી ગરીબ દર્દીઓ માટે તેની સારવાર મુશ્કેલ બની જાય છે.
આ પણ વાંચોઃ મ્યુકોરમાઇકોસીસ નવો રોગ નથી, કે ન તો ચેપી રોગ.. જાણો વિગતે…
મ્યુકરમાઇકોસિસના દર્દીમાં મૃત્યુદર 50 ટકા જેટલો ઊંચો રહે છે
તબીબોનું માનીએ તો મ્યુકોર્માયકોસિસ વાળા દર્દીઓમાં તેનું ઈન્ફેકશનને મગજ સુધી પહોંચતું રોકવા માટે દર્દીઓની આંખ જ કાઢી નાખવામાં આવે છે. આમ છતાં આ રોગનો મૃત્યુદર લગભગ 50 ટકા જેટલો ઊંચો છે. આ રોગને પકડવા માટે સિટી સ્કેન, એન્ડોસ્કોપી કે બાયોપ્સી કરાવવા પડે છે. કોરોના રિકવરી પછી ડાયાબિટીસના દર્દીઓ આસાનીથી આ રોગની ઝપેટમાં આવી જાય છે.