વાપી : દક્ષિણ ગુજરાતમાં વાપી રેલવે સ્ટેશન A ગ્રેડનું રેલવે સ્ટેશન છે. ઔદ્યોગિક વિસ્તાર હોવાથી આ રેલવે સ્ટેશન વાર્ષિક 100 કરોડથી વધુ કમાણી કરાવતું વેસ્ટર્ન રેલવેનું મહત્વનું રેલવે સ્ટેશન છે. વંદે ભારત જેવી ટ્રેનનું અહીં સ્ટોપેજ છે, ત્યારે વંદે ભારત ટ્રેનના પ્રચાર-પ્રસાર માટે વેસ્ટર્ન રેલવેના PRO એ વાપીમાં પત્રકાર પરિષદ યોજી વંદે ભારત ટ્રેન અંગે મહત્વની વિગતો આપી હતી.
વેસ્ટર્ન રેલવે ચર્ચગેટે આપી વિગતો : દેશની સ્વદેશી સેમી હાઇસ્પીડ ટ્રેન એવી વંદે ભારત એક્સપ્રેસને ગત 30મી સપ્ટેમ્બર 2022ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલીઝંડી આપી મુંબઈથી ગાંધીનગરના રૂટ પર પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેન ને મેક ઇન ઇન્ડિયાની પહેલ હેઠળ સ્વદેશી રીતે તૈયાર કરવામાં આવી છે. હાલમાં ટ્રેનના ટ્રેક પર પશુઓ આવી જતાં બનેલા અકસ્માત બાદ ટ્રેનને બીજા જ દિવસે ફરી દોડતી કરી હતી. તેમ છતાં તેની સુરક્ષા સલામતી અંગે મીડિયામાં ભારે વગોવણી કરવામાં આવી હતી. પરંતુ, આ ટ્રેન સુરક્ષિત અને સલામત હોવાની સાથે ખૂબ જ લોકપ્રિય બની રહી છે. જેના વધુ પ્રચાર-પ્રસાર માટે વેસ્ટર્ન રેલવે ચર્ચગેટના CPRO અને PRO એ મહત્વની વિગતો આપી હતી.
250 કરોડના ખર્ચે ફેન્સીંગ ઉભી કરશે : વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અંગે મુંબઇના ચર્ચગેટ સ્થિત CPRO સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે, મુંબઈથી ગાંધીનગર વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને હાલમાં પ્રવાસીઓ દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ટ્રેનની તુલનાત્મક occupancy Position 130 ટકા આસપાસ છે. ટ્રેનમાં આપવામાં આવેલી સુવિધાઓ અને સ્પીડ લોકોને આરામદાયક સફર સાથે સમયની બચત કરી આપે છે. હાલમાં જ ટ્રેનના ટ્રેક પર પશુઓ આવી જતા ટ્રેન ક્ષતિગ્રસ્ત થઈ હતી. જે બનાવો ફરી બને નહિ તે માટે રેલવે વિભાગ મુંબઈથી ગાંધીનગર સુધીના 622 કિલોમીટરના રૂટની બન્ને તરફ 250 કરોડના ખર્ચે ફેન્સીંગ ઉભી કરશે. જેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જે May 2023 સુધીમાં પૂર્ણ કરી લીધા બાદ આવા અકસ્માતો અટકશે.
સ્લીપર કોચ ટ્રેનને પાટા પર દોડતી કરશે : વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના પ્રચાર-પ્રસાર માટે વાપી રેલવે સ્ટેશને આવેલા PRO અજય સોલંકીએ યોજી જણાવ્યું હતું કે, વંદે ભારત ટ્રેનને વાપીમાં ગત 26મી ઓક્ટોબરથી સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં અનેક ઉદ્યોગો હોય તમામ માટે અમદાવાદ જવા માટે કે મુંબઈ જવા માટે આ ટ્રેન સારી અનુકૂળ પડી રહી છે. જેમાં સમયની બચત થાય છે. ટ્રેનમાં રહેલી સુવિધાઓ તેમજ ટ્રેનના આગામી નવા અવતારની વિગતો આપી હતી. વધુમાં સપ્ટેમ્બર 2023 સુધીમાં રેલવે વિભાગ લાંબા અંતર માટે વધુ સુવિધાઓથી સજ્જ સ્લીપર કોચ ટ્રેનને પાટા પર દોડતી કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો : વલસાડના અતુલ સ્ટેશન નજીક ફરી વંદે ભારત ટ્રેન આગળ ગાય આવી જતા સર્જાયો અકસ્માત
1128 બેઠક ક્ષમતા ધરાવતા 16 ચેર કાર કોચ : અત્યાર સુધીમાં દેશભરમાં 10 જેટલી વંદે ભારત ટ્રેન દોડી રહી છે. જે તમામ ટ્રેન સ્વ-સંચાલિત સેમી હાઇસ્પીડ છે. જેની ગતિ 130થી 160 કિલોમીટર પ્રતિ કલાક છે. વાપીથી મુંબઈ વચ્ચેનું અંતર ટ્રેન 2 કલાકમાં તો વાપીથી અમદાવાદ વચ્ચેનું અંતર સાડા ત્રણ કલાક આસપાસમાં કાપે છે. ટ્રેન સ્ટેનલેસ સ્ટીલ કાર બોડી ધરાવે છે. 1128 બેઠક ક્ષમતા ધરાવતા 16 ચેર કાર કોચ છે.
આ પણ વાંચો : Surat News: એરપોર્ટ, બુલેટ ટ્રેન અને પોર્ટ્સના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગને ખૂબ જ ફાયદો : ઉડ્ડયન પ્રધાન જયંત સિંહા
નવા ભારતની ટ્રેન : આ ટ્રેનમાં ઓન બોર્ડ વાઇફાઇ, GPS, પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ, શાનદાર ઇન્ટિરિયર, બાયો વેક્યુમ ટોયલેટ, ચાર્જિંગ પોઇન્ટ, દિવ્યાંગ જનો માટે ફ્રેન્ડલી શૌચાલય, દ્રષ્ટિહીન માટે બ્રેઇલ લિપિમાં સીટ નંબર, સીટ હેન્ડલથી સજ્જ કરવામાં આવી છે. ઇમર્જન્સી એલાર્મ સહિતની તમામ સુરક્ષા સલામતીના ઉપકરણો છે. કેમેરાથી સજ્જ છે. 30 ટકા વીજળીની બચત કરે છે. ટૂંકમાં શરૂઆતમાં બનેલા અકસ્માત બાદ પણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન એ નવા યુગની અને નવા ભારતની ટ્રેન છે. જે પ્રવાસીઓને સુરક્ષા સલામતી અને આરામદાયક સફરના અનુભવ સાથે ઓછા સમયમાં તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડે છે.