ઉમરગામ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉમરગામ તાલુકાના સંજાણમાં રહેતી ફરીના અકીબ જાવેદ જાફીર શેખે તેના પતિ અકીબ જાવેદ જાફીર, સાસુ નફીઝા, નણંદ રેશમા અને જહીર શેખ વિરુદ્ધ ઉમરગામ પોલીસ મથકમાં દહેજ માટે ફરિયાદ નોંધાવી હતી. લગ્નના બે માસમાં જ તેનો પતિ તું મને ગમતી નથી, એવું કહીને માનસિક ત્રાસ આપતો હતો. તેની સાસુ પણ એવું કહેતી હતી કે, સંજાણમાં જમાઈને સોનાની ચેઈન આપવાનો રિવાજ છે. તારા ઘરેથી તે આપવામાં આવી નથી. તેમ કહી મેહણા-ટોણા મારી માનસિક ત્રાસ આપી પરેશાન કરતી હતી.
મળતી માહિતી મુજબ ફરિયાદી પરણીતા મહારાષ્ટ્રના દહાણુંના મસોલીની રહેવાસી છે. તેના લગ્ન સંજાણમાં રહેતા અકીબ જાવેદ જાફીર સાથે થયા હતા. તેના પતિ, સાસુ અને નણંદ દ્વારા અવારનવાર માનસિક ત્રાસ આપતા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.