સંઘ પ્રદેશ દમણના મોટી દમણ વિસ્તારમાં તસ્કરોએ હાલ ઘરફોડ ચોરી કે દુકાન ચોરી છોડીને મંદિરો પર નિશાન તાક્યું છે. મોટી દમણમાં પાછલા બે મહિનામાં તસ્કરોએ ત્રણ મંદિરોમાં ચોરી કરી છે. જેમાં ગત રાત્રે પટલારા ગ્રામ પંચાયતમાં સ્થાપિત બ્રહ્મદેવ મંદિરમાં ફરી તસ્કરો ત્રાટક્યા હતા.મંદિરમાં ચોરી દરમ્યાન તસ્કરોને કઈ હાથમાં ના આવતા તેમણે મંદિરમાં સ્થાપિત બ્રહ્મદેવ બાપાની પ્રતિમા ખંડિત કરી નાખી હતી. તેમજ મંદિરનો બધો સરસામાન બહાર ફેંકી દીધો હતો.
સમગ્ર ઘટનાની જાણ થતા ગામ જનો એ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.તો બીજી તરફ તસ્કરો દ્વારા મુર્તિને ખંડીત કરાતા ગામ લોકોમાં રોષ ફેલાઈ ગયો હતો. તો ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય આચરનારા શખસો સામે પોલીસ કડક પગલા લે તેવી લાગણી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું હોય તેવો આ ત્રીજો બનાવ સામે આવ્યો છે. આ અગાઉ પણ બે મંદિરોમાં ચોરી થઇ હતી તેમાં ચોરી કરતા તસ્કરો સી.સી.ટીવીના કેમેરામાં પણ કેદ થયા હતા. તેમ છતાં પણ આજ સુધી આ તસ્કરો પોલીસની પકડમાં આવ્યા નથી. ત્યારે પોલીસ આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ ધમધમાટ આદરે તે જરૂરી બન્યું છે.