મળતી માહિતી પ્રમાણે, નાની દમણ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસંધાને દમણ પોલીસ જિલ્લા પંચાયત કચેરીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશ જગુ પટેલ ઉર્ફ સુખા પટેલની પૂછપરછ કરવા ગઈ હતી. આ ગુના સંદર્ભે પ્રમુખ સુરેશ જગુ પટેલ ઉર્ફે સુખા પટેલે પોલીસને સહકાર આપવાને બદલે શંકાસ્પદ રીતે તેના ડ્રાઈવર રમેશ પટેલ સાથે મળીને કચેરીમાંથી ભાગી ગયા હતાં. ત્યારબાદ દમણ પોલીસ દ્વારા કુંડ ફળિયા ભીમપોર ખાતે સુરેશ જગુ પટેલના ઘરે તપાસ કરવામાં આવી હતી.
![દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-01-presidents-revolver-photo-gj10020_23102019231153_2310f_1571852513_1088.jpg)
તપાસ દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખના મકાનમાંથી જીવંત કારતૂસ સાથે એક રિવોલ્વર મળી આવી હતી. જે અંગે પોલીસે તપાસ કરતાં હથિયાર સંબંધિત કોઈ દસ્તાવેજો મળ્યા નહોતા. જેથી પોલીસે FIR નંબર 42/2019 હેઠળ સેક્શન 25 આર્મ્સ એક્ટ હેઠળ કોસ્ટલ પોલીસ સ્ટેશન, કડૈયા ખાતે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે પોલીસને ચકમો આપી જિલ્લા પંચાયતના પ્રમુખ રફુચક્કર થઈ ગયા છે. જેને ઝડપી પાડવામાં દમણ પોલીસ હાલ આકાશ પાતાળ એક કરી રહી છે. તો, આ કેસ સંદર્ભે અગાઉ શાર્પ શૂટર્સને પકડ્યા બાદ વાપીના એક મોબાઇલની દુકાન ધરાવતા વેપારીની પણ અટકાયત કરી આગળની તજવીજ હાથ ધરી છે.