દેશમાં કોઈપણ નાના કે મોટા શહેરોમાં ગટરની જરૂરિયાત સ્થાનિક લોકોને પુરી પાડવી એ પાલિકાની જવાબદારી છે. પરંતુ, સંઘપ્રદેશ દમણમાં 1961ની આઝાદી બાદ આ અંગે સદાય બેદરકાર રહેલી દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ (DMC) હવે રહી રહીને જાગી છે. જેના કારણે દમણ પાલિકા વિસ્તારની 18 શેરીઓના રહેવાસીઓ માટે મોટી મુસીબત ઉભી થઇ છે. હાલમાં દમણના ડેવલોપમેન્ટ માટે અને દમણના વિકાસ માટે દમણ પ્રશાસન અને નગરપાલિકાએ કરોડોના વિકાસના કામો હાથ ધર્યા છે. આ વિકાસના કામોમાં ભૂગર્ભ ગટરની યોજનાનો પણ સમાવેશ કરી લોકોના ઘરના શૌચાલયો અને હોટેલનું ગંદુ પાણી જે પાલિકાની જ ડ્રેનેજ લાઇન દ્વારા દરિયામાં જતું હતું તેને બંધ કરી દીધું છે.
પાલિકાએ આ અંગે એવો મત વ્યક્ત કર્યો છે. કે આ વરસાદી પાણીની લાઇન હતી. અને તેમાં લોકોએ પોતાના ઘરના શૌચાલયના ગંદા પાણીની લાઇન જોઈન્ટ કરી દીધી છે. જેથી આ લાઇન વાટે ગંદું પાણી દરિયામાં જાય છે. દરિયાના પાણીને દુષિત કરી રહ્યું છે. જ્યારે માછી સમાજના લોકોએ આ અંગે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. માછી સમાજનું કહેવું છે કે જો, આ વરસાદી પાણીની લાઇન છે. અને તેમાં જતું ગંદું પાણી દરિયાના પાણીને દુષિત કરે છે. તો તે માટે અન્ય કોઈ ઉપાય વિચારવો જોઈએ. આ રીતે એકાએક લાઇન બંધ કરવાથી તો આ ગંદુપણી લોકોના ઘરમાં અને શેરીઓમાં જ નીકળી રહ્યું છે. જેનાથી શહેરમાં રોગચાળો ફેલાશે તો તે માટે જવાબદાર કોણ?
આ ઉપરાંત માછીમાર સમાજના લોકોની માગ છે કે, આ 18 શેરીઓમાં કોઈની પાસે વધારાની જગ્યા નથી. કે, જ્યાં તેઓ પોતાના ખર્ચે સેફટી ટેન્ક કે ખાળ કુવા બનાવી શકે. મોટાભાગના લોકો પણ ગરીબ છે. જેઓ એટલા પૈસા ખર્ચી શકે તેમ નથી. ઉપરાંત હાલ ચોમાસાની સિઝન ચાલે છે. આવનારા દિવસોમાં તહેવારો શરૂ થાય છે એટલે બાંધકામ કરનારા મજૂરો પણ મળવા મુશ્કેલ છે. માટે દમણ પાલિકાએ આ અંગે હાલ પૂરતું બંધ કરેલી લાઇન ખોલી નાખવી જોઈએ અને તે બાદ સમય મર્યાદા આપી એ સમય મર્યાદા બાદ પોતાની કાર્યવાહી કરવી જોઈએ.
દમણના માછીસમાજ હોલ ખાતે આ અંગે મળેલી સમાજની મિટિંગમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તો, આ અંગે પાલિકાના સત્તાધીશો આ સમસ્યાનો યોગ્ય ઉકેલ આવે તે પ્રકારની કામગીરી બજાવી લોકોને પરેશાન કરવાનું બંધ કરવા તેવી રજુઆત સમાજના અગ્રણીઓ સમક્ષ કરી હતી. ઉલ્લેખનીય છે કે, દમણ પાલિકાના ચીફ ઓફિસરે વરસાદી પાણીની લાઇનમાં છોડાતા ગંદા પાણીને કારણે દરિયા કિનારો અને દરિયાનું પાણી ખરાબ થવાની વાત ઉચ્ચારી જે બાલિશ પ્રકારની કડક કાર્યવાહી કરી છે.
જે રીતે ગટરમાં આપેલા શૌચાલયના કનેક્શન બંધ કરી દીધી છે. તે આટલા વર્ષ સુધી કેમ બેધડક ચાલુ રહ્યા? શા માટે આટલા વર્ષ પાલિકાએ આ અંગે કોઈ કાર્યવાહી ન કરી? શા માટે કરોડોની શહેરી વિકાસની ગ્રાન્ટમાથી ભૂગર્ભ ગટર બનાવવામાં ના આવી? શા માટે ભૂગર્ભ ગટર લાઇન બનાવવાને બદલે જે લાઈનમાં લોકોએ પોતાના શૌચાલયના દુષિત પાણીના કનેક્શન જોડ્યા છે. તેને બંધ કરી દેતા પહેલા કોઈ મહેતલ નથી આપી રહ્યા? તેવા અનેક સવાલો સાથે દમણ પાલિકાની બેધારી નીતિ સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.