વાપીઃ કેન્સરના ગંભીર રોગ સામે હિંમતભેર લડી રહેલી વાપીની સૃચી વડાલીયા સુખી સંપન્ન પરિવારમાં જન્મેલી અને MBA સુધીનો અભ્યાસ કરનાર સૃચી વડાલીયા નામની યુવતી 6 વર્ષથી કેન્સરની ગંભીર બીમારી સામે લડી રહી છે. સૃચીને કેન્સર થયાનું જાણવા મળ્યા બાદ કેન્સરની સારવાર માટે તેણે 36 કિમો થેરાપી અને 36 રેડિયેશન થેરાપી કરાવી હતી. તેમ છતાં તે કેન્સરના રોગને માત ના આપી શકી. આ થેરાપીની તેના પર સાઈડ ઇફફેક્ટ થઈ અને તેનું શરીર કાળું પડવા લાગ્યું, શરીરમાં સતત બળતરા થતી હતી. જે બાદ તેને ગોબર ટ્રીટમેન્ટ વિશે જાણ્યું અને તેની મમ્મીની મદદથી આ ટ્રીટમેન્ટ લેવાનું શરૂ કર્યું છે.
આ ઉપચાર અંગે સૃચી અને તેમની માતા છાયા વડાલિયાએ જણાવ્યું હતું કે, તેઓ ગીર ગાયના છાણના છાણા, ગૌમૂત્ર અને કપૂરનો લેપ કરી મસાજ કરે છે. જેનાથી તેમને આ ગંભીર રોગ સામે અનેક ફાયદા થયા છે. આ ઉપચાર કેન્સરના દર્દીઓ માટે સચોટ ઉપચાર હોવાનું જાણ્યા બાદ તેઓએ લોકોને અપીલ કરી છે કે, લોકો આ ઉપચાર અંગે જાગૃત થાય.
એ ઉપરાંત હોળીના પર્વ દરમિયાન લોકો વૃક્ષોને કાપી તેના લાકડા બાળી હોળી પ્રગટાવે છે. તેને બદલે ગાયના છાણાની હોળી પ્રગટાવશે તો તેનાથી વાતાવરણ શુદ્ધ થશે. શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધશે, ગંભીર અને વાયરલ બીમારી સામે રક્ષણ મળશે.
સૃચીને જ્યારે કેન્સર થયું ત્યારે તે ખૂબ ગભરાઈ ગઈ હતી અને તેમને આ કેન્સર કેમ થયું તે અંગે રિસર્ચ કર્યું, જેમાં વાતાવરણમાં ભળતા વિવિધ પ્રદૂષણો કારણભૂત હોવાનું જાણતા તે 6 વર્ષથી પર્યાવરણ બચાવવા માટે અને તેના જેવી બીમારી અન્ય કોઈને ના થાય તે માટે વૃક્ષારોપણ કરે છે. અત્યાર સુધીમાં તેમણે 44000 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે. અને ગાયના છાણનો ઉપચાર કરી કેન્સર સામે લડી રહી છે.
ગાયના છાણમાં અનેક રોગોનો ઈલાજ હોવાનું આયુર્વેદમાં પણ જણાવાયું હોવાનું જણાવતા વાપીના આયુર્વેદિક ડોકટર મીનાક્ષી શેઠે જણાવ્યું હતું કે, મોર્ડન મેડિકલ વિજ્ઞાન અને આયુર્વેદની અનેક સારી ઉપયોગીતા છે. કેન્સરમાં કિમો થેરાપી બાદ થતી આડઅસર સામે આ ગોબર ટ્રીટમેન્ટ ફાયદાકારક છે. એનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. અને શરીરમાં જે બળતરા થાય છે તેમાં રાહત મળે છે. હા આ ગોબર ટ્રીટમેન્ટનો ઉપચાર કરતા પહેલાં આયુર્વેદના ડોકટરોની સલાહ લેવી ખૂબ જ અગત્યની છે.
ઉલ્લેખનીય છે કે, હિન્દૂ શાસ્ત્રના અનેક ઋષિમુનિઓએ ગાયના છાણ-મૂત્રની ઉપયોગીતા અંગે જણાવ્યું છે. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા જેવા અનેક આયુર્વેદિક પુસ્તકોમાં પણ ગાયના છાણ-મૂત્રથી થતા ફાયદા અંગે વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારે 6 વર્ષથી કેન્સરની બીમારીથી પીડિત સૃચી સમાજને ગાયના છાણ અને મૂત્રથી થતા ફાયદા અંગે જાગૃત કરે છે. સાથે સાથે પર્યાવરણ બચાવવા માટે પણ જાગૃત કરી રહી છે. આ દીકરીનો ઉદ્દેશ્ય છે કે, તેને થયેલું કેન્સર અન્ય લોકોને ના થાય, પોતે પોતાના મૃત્યુ બાદ પણ વૃક્ષ રૂપે, ઝાડ, પાન અને ડાળ રૂપે લોકોના દિલમાં વસતી રહે અને લોકો પર્યાવરણને બચાવતા રહે.