સેલવાસ: અમદાવાદ-સુરત જેવા મેટ્રો સિટીમાં હાલ ઈલેક્ટ્રિક બસ દોડે છે. આ બસ માટે આધુનિક બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. આવી જ ઈલેક્ટ્રિક બસ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં દોડાવવા માટે સંઘપ્રશાસને 25 બસનો ઓર્ડર આપ્યો છે. જેમાંથી હાલ એક ઈલેક્ટ્રિક બસ સંઘપ્રદેશમાં દોડી રહી છે. આધુનિક ભારતની આ આધુનિક બસ માટે દાદરા નગર હવેલીમાં 26 બસ સ્ટેન્ડ બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ બસ સ્ટેન્ડની જગ્યાએ ગાર-માટીના લીપણ કરેલી વિલાયતી નળિયા ધરાવતી વાંસની ઝૂંપડીઓ બનાવવામાં આવી રહી છે.
નવાઈની વાત એ છે કે, સેલવાસને સ્માર્ટ સિટીમાં સામેલ કરવામાં આવ્યું છે. આ આદિવાસી મુલકને સ્માર્ટ સિટીમાં સામેલ કરવામાં આવ્યો એ આ પ્રદેશ માટે ગૌરવની વાત છે. ત્યારે સ્માર્ટ સિટીમાં આધુનિક બાંધકામને બદલે ગ્રામ્ય છબી દર્શાવાતા બસ સ્ટેન્ડની પહેલ લોકોની સમજમાં આવતી નથી.
પ્રશાસન દ્વારા ઇલેક્ટ્રો ગ્રીન ટેકનો દ્વારા લોકલ પબ્લીક માટે ઇલેક્ટ્રીક બસનો પ્રારંભ કરવામા આવ્યો છે. તેની જાહેરાતને પણ 6 માસ થવા આવ્યાં છે. આ બસ સેવા દરમિયાન પ્રવાસીને બેસવા માટે ઈકોફ્રેન્ડલી ઝુંપડી બનાવવાનું કામ હાલમાં શરૂ કર્યું છે. મળતી માહિતી મુજબ સેલવાસ અને આજુબાજુના વિસ્તારમા 26 જગ્યાઓ પર આવી ઈકોફ્રેન્ડલી ઝુંપડી બનાવવામા આવી રહી છે. જો કે, આ અંગે હાલ સંઘ પ્રશાસન કઈ જ કહેવા તૈયાર નથી. કદાચ શહેરી વિસ્તારમા ગામડાનું વાતાવરણ ઉભુ કરવાનો આ પ્રયાસ લેખે ન લાગે તો, એવો ડર આ માટે કારણભૂત હોઈ શકે છે. અથવા તો લોકોની પસંદ બન્યા બાદ તેની જાહેરત પ્રસિદ્ધિના પ્રસાદ તરીકે ચાખવાની દાનત પણ આ માટે જવાબદાર હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, હવાના પ્રદૂષણને ડામવા, પર્યાવરણની જાળવણી કરવા ઈલેક્ટ્રિક બસ સેવા આદર્શ પહેલ છે, પણ અમદાવાદ સુરત જેવા મેટ્રો સિટીમાં જે ઈલેક્ટ્રિક બસ દોડે છે. તેના માટે આધુનિક બસ સ્ટેન્ડ છે. તમામ બસમાં ડિજીટલ ડિસ્પ્લે, AC, ઈમર્જન્સી ડિવાઇસ, મોબાઈલ ચાર્જર, ડ્રાઇવર માટે આધુનિક ડેશબોર્ડ વગેરે સુવિધાઓ છે.